સુરતઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. અને સુરત હીરા ઉદ્યોગ માટે મહત્વની હબ ગણાય છે. છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. હીરાના કારખાનેદારો પણ ઘણા સમયથી આર્થિક સમસ્યાથી ઘેરાયેલા છે. ત્યારે અમેરિકા અને યુરોપમાં મંદીને લીધે ડીટીસીએ હીરાની રફના ભાવમાં બેથી ત્રણ ટકાનો ઘટાડો કર્યો છે. એટલે ગુજરાતના હીરા ઉદ્યોગને થોડી રાહત મળશે. જોકે તૈયાર હીરાની માગ વધે તો જ હીરા ઉદ્યોગમાં તેજી આવી શકે તેમ છે. કારણ કે તૈયાર હીરાની માગ યથાવત રહેવાને બદલે ઘટી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ યુરોપમાં મંદીના અણસારને લીધે ડીટીસીએ રફ હીરાના ભાવમાં 2થી 3 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. રફ ટ્રેડિંગ કંપની ડીબીયર્સે રફની હરાજી કરી હતી. અમેરિકા-યુરોપ સહિતના દેશોમાં મંદી હોવાથી માર્કેટને સ્ટેબલ રાખવા રફના ભાવોમાં ઘટાડાયા હોવાનું કહેવાય છે. છેલ્લા 2 વર્ષથી સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર માઠી અસર બેઠી છે.
સુરતના હીરા બજારના સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનામાં ઉદ્યોગ ધંધા બંધ હતા ત્યારે ડાયમંડ ઈન્ડસ્ટ્રી પુરપાટ દોડી રહી હતી. પરંતુ યુક્રેન-રશિયા અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ બાદની પરિસ્થિતિને લઈને વિશ્વમાં હીરાની માંગમાં ઘટાડો થયો હતો. ડીટીસીએ 2 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન બીજી સાઇટ, 2થી 5 એપ્રિલ ત્રીજી અને 6 મેથી 10 મે સુધી આ વર્ષની ચોથી સાઈટ બહાર પાડી છે. દોઢ મહિના પહેલાં ડી બીયર્સે રફની સાઈટ યોજી હતી, જેમાં ભાવ સ્થિર રહ્યા હતા. જો કે, હાલની ડામાડોળ સ્થિતિને સ્થિર કરવા ભાવમાં 2થી 3 ટકાનો ઘટાડો કરાયો છે. સાઈટમાં ભાગ લેનારા વેપારીઓના મતે માર્કેટ સ્ટેબલ કરવા પ્રયાસ છે.
સુરત ડાયમંડ એસોસિએશનના સૂત્રોએ કહ્યુ હતું કે, ગત મહિને યોજાયેલી ડીટીસીની રફની હરાજીમાં ભાવો સ્થિર રાખવામાં આવ્યા હતા, પરંતુ આ વખતની હરાજીમાં ઓલઓવર રફના ભાવોમાં 2થી 3 ટકા સુઘીનો ઘટાડો કરવામાં આવ્યો છે. માર્કેટને સ્થિર રાખવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.