અમદાવાદ પોલીસનું બેવડુ વલણઃ કોંગ્રેસને નહીં પરંતુ ઔવેસીની પાર્ટીને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી
અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સાથે મોંઘવારી પણ વધી છે. ત્યારે તેના વિરોધમાં આજે અમદાવાદમાં ઔવૈસીની પાર્ટી AIMIMના કાર્યકરો દ્વારા પોલીસ પરમિશન સાથે ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના પ્રેમદરવાજા પાસે આજે સવારે AIMIM પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરો, હોદ્દેદારો અને કાર્યકરો “હાય રે ભાજપ હાય હાય” મોદી સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. એક તરફ, જો કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન કે આંદોલન કરવામાં આવે છે તો પરમિશન આપવામાં આવતી નથી અને ધરપકડ કરવામાં આવે છે. બીજી તરફ AIMIM પાર્ટી જ્યારે આ રીતે મોંઘવારી મુદ્દે વિરોધ કરે તો તેને પોલીસ પરમિશન સાથે ભાજપ હાય હાયના નારા લગાવવા દેવામાં આવે છે.
AIMIM પાર્ટીના દરિયાપુર વોર્ડના પ્રમુખે જણાવ્યું હતું કે આજે મોંઘવારી મુદ્દે પોલીસ પરમિશન સાથે વિરોધપ્રદર્શન કર્યું હતું. દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે, જેમાં પેટ્રોલ, ડીઝલ, દૂધના ભાવમાં સતત વધારો થાય છે અને જો આ ભાવવધારો પાછો નહીં ખેંચવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે. દરિયાપુર પોલીસે જણાવ્યું હતું કે મોંઘવારી મુદ્દે AIMIM પાર્ટીના વિરોધપ્રદર્શનને પરમિશન આપવામાં આવી હતી અને કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.
AIMIM પાર્ટી દ્વારા આજે પ્રેમદરવાજા પાસે મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. જમાલપુરનાં કોર્પોરેટર બીનાબેન સોલંકી સહિતના કોર્પોરેટર, હોદ્દેદાર, કાર્યકર્તાઓએ બેનર અને પ્લેકાર્ડ સાથે ” હાય રે ભાજપ હાય હાય, પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરો, દૂધના ભાવ ઓછા કરો” જેવા નારા લગાવ્યા હતા. પોલીસની હાજરીમાં ભાજપ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે રોડ પર ઊતરી વિરોધ કરવામાં આવે તો પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવે છે અને વિરોધ કરતાં જ તેમની ધરપકડ કરી લેવાય છે, પરંતુ AIMIM પાર્ટીને આવા પ્રદર્શન માટે પરમિશન આપતાં હવે વિવાદ ઊભો થયો છે.
(Photo-Social Media)