- એરપોર્ટ પર છેલ્લા બે મહિનામાં 6 લાખ બેગનું સ્ક્રિનિંગ કરાયુ,
- ડોમેસ્ટિક એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક વધતાં હાઈટેક મશીન ગોઠવાયાં,
- હાઈટેક મશીનને લીધે 3100 પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં જબરો વધારો જોવા મળી રહ્યો છે. આથી પ્રવાસીઓ ઝડપથી ચેકઈન અને ચેકઆઉટ કરી શકે તે માટે બેગ સ્ક્રિનિંગ, ડ્યુઅલ વિન્ડો એક્સ રે મશીનો મુકાયા છે. વધારે હાઈટેક મશીનોને કારણે પ્રવાસીઓ પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવે છે. છેલ્લા 6 મહિનામાં 3100થી વધુ પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ છે.
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ વધી રહેલા પ્રવાસી ટ્રાફિક વચ્ચે ફલાઈટોને વારંવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી રહે છે. આવા સંજોગોમાં પ્રવાસીઓની બેગોનું ડોગ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ કરાય છે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ (BCAS) સુરક્ષાના કારણોસર ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓના લગેજનું સ્ક્રીનિંગ થાય તે માટે ડ્યુઅલ વિન્ડો સ્ક્રીનવાળા હાઇટેક એક્સ-રે મશીન મુકાયા છે. હાલમાં સિંગલ વિન્ડો એક્સ-રે મશીનને હટાવાયા છે. બે માસમાં 6 લાખ બેગનું સ્ક્રીનિંગ કરાયું છે. જેમાં 3100 પ્રતિબંધિત વસ્તુ મળી આવી હતી. 2 હજારથી વધુ પાવર બેન્ક, 450 બેટરી, 250 નંગ કોપરું, 350 લાઈટરનો સમાવેશ થાય છે.
અમદાવાદ એરપોર્ટ પર ઇનલાઇન લગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ લેવલ 3 પરથી પેસેન્જરોનું લગેજ આગળ- પાછળ એટલે કે ડ્યુઅલ વિન્ડો સ્ક્રીન ધરાવતા હાઇટેક એકસ-રે મશીનમાં સ્ક્રીનિંગ થશે. જે લગેજને ઓટોમેટિક બંને બાજુ સ્ક્રીનિંગ કરશે અને બેગેજ મેકઅપ એરિયામાંથી સુરક્ષિત રીતે ફલાઇટમાં જશે. એરપોર્ટ ઇનલાઇન બેગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ (ILBS) લેવલ-3 પર સિંગલ વિન્ડો એક્સ-રે મશીનનો ઉપયોગ કરાતો હતો જેથી કન્વેયર બેલ્ટ પરથી એક્સ-રે મશીનમાં જતી બેગોનું એક બાજું સ્કેનિંગ થતું ન હતું. સ્ટાફને સ્કેનિંગ વખતે કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ લાગે તો બેગને ઉંચકીને મેન્યુઅલ બીજી બાજું એક્સે-રે મશીનમાં સ્કેન કરવી પડતી જેથી સમય પણ બગડતો હતો, હવે નવા ડ્યુઅલ સ્કેનિંગથી આ ઝંઝટમાંથી છૂટકારો મળ્યો છે.