એક મોટી ભૂલને કારણે ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાંથી લાગ્યો આંચકો, વાંચો શું છે મામલો?
નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણીના મામલામાં ઉદયનિધિ સ્ટાલિનને આજે ફરીથી એક આંચકો લાગ્યો છે. સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાં એક ભૂલ ભારે પડી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને પુછયું કે તેઓ પોતાની સનાતન ધર્મને લઈને કરવામાં આવેલી ટીપ્પણી પર એફઆઈઆરને ક્લબ કરવાની પોતાની અરજીના રિટ ક્ષેત્રાધિકાર હેઠળ સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે જઈ શકે છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે મંત્રીને કહ્યુ કે તેઓ સીઆરપીસીની કલમ-406 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકતા હતા, તેમાં ગુનાહિત મામલાઓને સ્થાનાંતરીત કરવાની માગણી કરવામાં આવી હતી, પરંતુ રિટ ક્ષેત્રાધિકાર સાથે સંબંધિત બંધારણના અનુચ્છેદ-32 હેઠળ કરી શકે નહીં.
જસ્ટિસ દત્તાએ કહ્યુ છે કે તમે જુઓ, કેટલાક મામલાઓ ધ્યાને લેવાયા છે અને સમન જાહેર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રિટ ક્ષેત્રાધિકાર હેઠળ ન્યાયિક કાર્યવાહીને સ્પર્શી શકાય નહીં. ખંડપીઠે ઉદયનિધિ સ્ટાલિનના કાયદાકીય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોતાની અરજીમાં સંશોધન કરવા અને મામલાને 6 મેથી શરૂ થનારા સપ્તાહમાં યાદીબદ્ધ કરવાની મંજૂરી આપી છે.