અમદાવાદઃ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના નફામાં એક વર્ષમાં 36 લાખનો વધારો થવાની સંભાવના છે. આ નફો વધવાનું કારણ સરકારે બહાર પાડેલા સરકારી ખરીદીના આદેશ છે. સરકારનું આ નિગમ છેલ્લા બે વર્ષથી નફો કરતું આવે છે. ગયા વર્ષે નિગમે 3.74 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.
વન વિકાસ નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ નિગમે 2019-20ના વર્ષમાં 3.40 કરોડનો નફો કર્યો હતો જેમાં ગયા વર્ષે 34 લાખનો વધારો નોંધાયો હતો. હવે અંદાજ છે કે 2021-22ના વર્ષમાં નિગમનો નફો 4.11 કરોડ રૂપિયા થવાનો છે. નફો વધવાના અનેક કારણો છે તેમાં સરકારે નક્કી કર્યું હતું કે સરકારી કચેરીઓમાં ફર્નિચર કે અન્ય ચીજવસ્તુની ખરીદી કરવી હોય તો વન વિકાસ નિગમમાંથી જ ખરીદી કરવાની રહેશે. આ નિર્ણયના કારણે નિગમના નફામાં વૃદ્ધિ થઇ રહી છે. વન વિકાસ નિગમમાં ફર્નિચર અને અન્ય સામગ્રી આદિવાસી સમાજના કારીગરો બનાવે છે તેથી તેમની રોજીરોટી જળવાઇ રહે છે.
આ નિગમ વર્ષો પહેલાં ખોટ કરતું હતું કારણ કે તેના દ્વારા ઉત્પાદિત થતી ચીજવસ્તુના વેચાણમાં મુશ્કેલી ઉભી થતી હતી પરંતુ હવે ખુદ સરકારી ઓફિસો ચીજવસ્તુઓ ખરીદે છે તેથી વેચાણનો આંક વધી રહ્યો છે. ગૌણ વન પેદાશોની કામગીરી ગ્રામ પંચાયતો વતી વન અધિકાર કાયદા તથા પેટા નિયમો અનુસાર વન વિકાસ નિગમ કરે છે. આ નિગમ પાનમ નીલગીરી ક્લોનલનું વાવેતર પણ કરે છે. ધનવંતરી બ્રાન્ડ હેઠળ નિગમ મધ તેમજ આયુર્વેદિક ઔષધિઓનું પણ નિમર્ણિ કરે છે. ઉપરાંત સરકારી વિભાગોમાં ઇન્ટીરીયર, ફર્નિચર અને અને સામગ્રી વેચે છે તેથી નિગમની આર્થિક સદ્ધરતામાં વધારો થયો છે. વનવાસી તેમજ સમાજના નબળાં વર્ગને શોષણમુક્ત કરવા તેમજ ગૌણ વન પેદાશોના વ્યાપારમાંથી ખાનગી વ્યાપારીઓને દૂર કરવા એ નિગમનો મુખ્ય ઉદ્દેશ છે.
નિગમ સાથે નવ સખી મંડળીઓ તેમજ 25 સહભાગી વન વ્યવસ્થા મંડળો કાર્યરત છે. નિગમે તેના 16 એકત્રીકરણ કેન્દ્રો શરૂ કર્યુ છે અને 45 જેટલા સીધા ખરીદ કેન્દ્રો ઉભા કર્યા છે. નિગમની 2020-21ના વર્ષની કુલ આવક 26.78 કરોડ અને કુલ ખર્ચ 23.04 કરોડ જોવામાં આવ્યો છે એટલે કે 3.74 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. હવે 2021-22ના વર્ષમાં નિગમનો અંદાજ છે કે 29.45 કરોડ રૂપિયાની આવક થશે અને 25.34 કરોડ રૂપિયાનો ખર્ચ થશે એટલે નિગમનો નફો 4.11 કરોડ અંદાજવામાં આવ્યો છે.