Site icon Revoi.in

ડુંગળીની નિકાસબંધીથી પોષણક્ષમ ભાવ ન મળતા ધોરાજીમાં ખેડુતે કર્યો અનોખો વિરોધ

Social Share

રાજકોટઃ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. તેના લીધે ખેડુતોને ડુંગળીના પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. આખી રાજ્યભરમાં ડુંગળી પકવતા ખેડુતોમાં વિરોધ ઊભો થયો છે. છેલ્લા સપ્તાહથી ખેડૂતો દ્વારા વિવિધ રીતે દેખાવો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માગ સાથે ધોરાજીમાં ખેડૂતોએ તેના ખેતરમાં ડુંગળીની સમાધિ કરી વિરોધ નોંધાવ્યો હતો અને ડુંગળીનાં યોગ્ય ભાવ મળે તે માટે પગલાં લેવાની માંગ કરી હતી.

ધોરાજીના ખેડૂત વલ્લભ પટેલે જણાવ્યું હતું કે,  ડુંગળીનું વાવેતર ખૂબ મોટી આશાએ કર્યું હતું. મારા પુત્રના બાળકો કોલેજમાં ભણે છે, તેને અભ્યાસમાં મદદરૂપ થવાના આશય સાથે ડુંગળી વાવેતર કર્યું હતું. પણ નિકાસબંધીનાં કારણે તમામ આશા ઉપર પાણી ફરી વળ્યું છે. જેને લઈ મારા ખેતરમાં ડુંગળીની સમાધિ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની આ વેદના સાંભળી તાત્કાલિક ડુંગળીની નિકાસબંધી હટાવી લેવામાં આવે તેવી માંગ છે.

ધોરાજી વિસ્તારના ખેડૂતાના જણાવ્યા મુજબ  ડુંગળીની નિકાસ બંધ થવાથી ડુંગળીનાં ભાવો ભારે ઘટવા લાગ્યા છે. તેમજ દિવસે દિવસે ડુંગળીના ભાવો તળીયે જતા ડુંગળી પકવતા ખેડૂતો પાસેથી વેપારીઓ પણ પડતર કરતા ઓછા ભાવે ડુંગળીની માગી રહ્યા છે. ડુંગળીની લેવાલી પણ ઘટી જતા ખેતરમાં પડી પડી ડુંગળી સડી રહી છે. ખેડૂતો ડુંગળી ખેતરમાં રાખવા માટે મજબૂર બન્યા છે અને ભારે મુશ્કેલીઓ સહન કરીને મોટું નુકસાન વેઠી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવી લેવામાં આવે તે જરૂરી બન્યું છે.  ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની સૌથી વધુ અસર ધોરાજી પંથકમાં થઈ હોવાથી ખેડૂતો સરકારને જગાડવા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે અંતર્ગત ધોરાજીના ખેડૂતોએ પોતાના જ ખેતરમાં પડેલી ડુંગળીની સમાધિ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસબંધી તાત્કાલિક ધોરણે હટાવે તેવી માંગ કરી હતી. જ્યાં સુધી આ નિર્ણય પરત નહીં લેવાય ત્યાં સુધી વિવિધ રીતે દેખાવો કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.