ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. સરકારી તંત્ર કોરોનાને કાબુમાં લેવામાં રોકાયેલું છે. ત્યારે હાલમાં ચાલતી તુવેર ,રાયડો અને ચણાની ટેકાના ભાવે થતી ખરીદી આગામી તા.10 મેં સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં 13,105 કેસ નોંધાઇ ચુક્યા છે. ત્યારે હજુ પણ આ કેસ ઘટે તેવી કોઈ આશા દેખાતી નથી. ત્યારે રાજય સરકારે એપીએમસીમાં ટેકાના ભાવે થતી જણસીઓની ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે વધતાજતાં કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. ત્યારે હવે ઘઉં, ચણા, અને રાયડા સહિતની જણસીઓનીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા આગામી તા. 10મે સુધી બંધ રહેશે.
નોંધનીય છે કે શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા સરકારે એપીએમસીમાં થતી ખરીદી બંધ કરી છે. તો બીજી તરફ રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુને વિપક્ષી નેતા પરેશ ધાણાનીએ પત્ર દ્વારા રજુઆત કરી છે કે ખરીદ પ્રક્રિયા સ્થગિત થઈ જવાના કારણે ખેડૂતોની જણસી સાચવવાનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. હાલની સ્થિતિએ ટેકાના ભાવે થતી ખરીદ પ્રક્રિયા બંધ થઈ છે. ત્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાના બદલે લઘુત્તમ ભાવ અને બજાર ભાવ ખેડૂતોને રોકડમાં મળે તેવી વ્યવસ્થા કરવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગત 1 એપ્રિલથી તુવેર અને 8 માર્ચથી ચણા- રાયડાની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા રાજય સરકા ના અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે રાજ્યમાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહ્યું છે. ત્યારે એપીએમસીમાં આવતા ખેડૂતો અને ખરીદ પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ સંક્રમિત થાય નહિ તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે થતી ખરીદ પ્રક્રિયા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.