Site icon Revoi.in

સરકારના ભ્રષ્ટ તંત્રને લીધે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા માત્ર દેખાવ પુરતી છેઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ શહેરની રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી ભારે આગના કારણે તંત્રની લાપરવાહી – સુરક્ષા પ્રત્યે આંખ આડા કાનની નિતિ ખુલ્લી પડી હોવાના આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગવાની દુર્ઘટના દુઃખદ છે. આગની ઘટનાને કારણે હોસ્પિટલમાં દાખલ 100 થી વધુ દર્દીઓ અને તેના પરિવારોમાં ભયની લાગણી પ્રસરી હતી. અગાઉ પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતની હોસ્પિટલોમાં આગની દુર્ઘટનાઓ બની હતી અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. છતાં સરકાર અને તંત્ર દ્વારા હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી અંગે જે ગુનાઈત બેદરકારી દાખવવામાં આવી રહી છે, તે ચિંતાનો વિષય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતમાં અગાઉ પણ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બની હતી. છતાંયે હોસ્પિટલોના સંચાલકો બેદરકારી રાખવી રહ્યા છે. આગ લાગ્યા બાદ પણ હોસ્પિટલો જાગતી નથી. લોકો સ્વસ્થ થવા માટે હોસ્પિટલમાં આવે છે, ત્યારે સ્વસ્થ થવાના બદલે લોકો આગમાં હોમાઇ જાય તે કેટલે અંશે વ્યાજબી છે ? દુર્ઘટનાઓમાં જેમણે સ્વજન ગુમાવ્યા હોય તેને જ સાચુ દુઃખ ખબર હોય છે. સરકારે હોસ્પિટલોને લૂંટનું સાધન બનાવી દીધું છે. અગાઉ શ્રેય હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલમાં માનવ જીંદગી હોમાવા છતા સરકાર જાગતી નથી, અમદાવાદની અગાઉની ૯ ઘટના બાદ પણ સરકાર સુધરવાનું નામ નથી લેતી. થોડા મહિના અગાઉ આજ હોસ્પિટલને લઇને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. અગ્નિકાંડ બાદ પણ હજુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ બાદ અમદાવાદની વધુ એક હોસ્પિટલમાં આગની ઘટના છતાં હજુ પણ ગેરકાયદેસર બાંધકામ કરેલા હોસ્પિટલમાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહ્યું છે. તપાસનાં નામે નાટક જોવા મળી રહ્યો છે ત્યારે અકસ્માતો અને આગની દુર્ઘટનાઓ બની ગયા પછી કાગળ પર કામગીરી કરનારા વહીવટીતંત્ર નક્કર કામગીરી કરે તો જ દુર્ઘટનાઓને નિવારી શકાય અને મહામૂલી માનવ જીંદગી બચાવી શકાય તેમ છે.