અમદાવાદઃ ગુજરાતમાં મંગળવારથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્ય પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તેની અસરને કારણે આગામી તા.18મીને મંગળવારથી કેટલાક દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે. 48 કલાકમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે તા. 18, 19, 20 અને 21મીએ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આગામી દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી અતિભારે અને કેટલાક ઠેકાણે અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે.
રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉન્ડ આવી રહ્યો હોવાના એંધાણ આપતો હોય એમ દ્વારકાનો દરિયો તોફાને ચડ્યો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે એ અગાઉ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ગોમતીઘાટ પર સમુદ્રના ઊંચા મોજા ઉછળી રહ્યા છે. 10 ફૂટથી પણ ઉંચા અને વિકરાળ મોજા ગોમતીઘાટ પર ઉછળી રહ્યા હતા. આ તરફ દરિયા ગાંડોતૂર બનતા ગોમતી ઘાટ પર કેટલાક લોકો સમુદ્રના દરિયાની મોજ માણતા નજરે પડ્યા હતા
વરસાદની આગાહી વચ્ચે અમદાવાદનું તાપમાન 34 ડિગ્રીને પાર થવાની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. રવિવારે સાંજે વરસાદ પડે તેવો માહોલ સર્જાયો હતો પરંતુ કેટલીક જગ્યાએ માત્ર ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. વરસાદી સિસ્ટમના કારણે તા. 18, 19 અને 20 વરસાદ રહેશે. સમગ્ર ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા પણ છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. સમગ્ર ગુજરાતમાં 19મીએ વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન હળવા અને સામાન્ય વરસાદની સાથે ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ આગામી 19મી જુલાઇના રોજ સૌરાષ્ટ્ર તથા ગુજરાતના બાકી ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ જ્યારે ભાવનગર, અમરેલી, કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. 20 અને 21 જુલાઇએ પણ ગુજરાતમાં વરસાદ રહેવાની વકી છે. અમદાવાદમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાઓ સાથે ભારે પવન પણ ફૂંકાઇ શકે છે.