- ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીમાં ઘણી ફ્લાઈટ્સ મોડી પડી
- મોડી-મોડી ચાલી રહી છે ઘણી બધી ટ્રેનો
દિલ્હી: ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ શનિવારે પણ રોડ, રેલ અને ફ્લાઇટ સેવાઓને અસર કરી રહ્યું છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. દિલ્હીના તમામ રેલવે સ્ટેશનો પરથી આવતી-જતી ઘણી ટ્રેનો પણ આજે મોડી દોડી રહી છે.રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે. ટ્રેનની રાહ જોઈ રહેલા એક મુસાફરે જણાવ્યું કે તે માતા વૈષ્ણોદેવી જઈ રહ્યો હતો અને તેની ટ્રેન બે કલાકથી વધુ મોડી પડી હતી. ટ્રેન 5.30 વાગે આવવાની હતી પરંતુ હજુ સુધી આવી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, તેલંગાણા એક્સપ્રેસ 3.40 કલાક, પંજાબ મેલ 6.07, ગોરખધામ એક્સપ્રેસ, શ્રમશક્તિ એક્સપ્રેસ, લખનૌ મેલ, દાદર એક્સપ્રેસ, બાંદ્રા-શ્રીમાતા વૈષ્ણદેવી સહિત ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે.
દિલ્હી એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે આજે સવારે 8.30 વાગ્યા સુધી IGI એરપોર્ટ પરથી ઉપડતી લગભગ 80 ફ્લાઈટ્સ મોડી પડી છે. એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ સેવાઓ પર ભારે અસર પડી છે. જેના કારણે ઘણી ફ્લાઈટ્સ નિર્ધારિત કરતા ઘણી મોડી છે.
એરપોર્ટ પર એક મુસાફરે કહ્યું કે અમે નવા વર્ષની ઉજવણી કરવા ગંગટોક સિક્કિમ જઈ રહ્યા છીએ પરંતુ અમારી ફ્લાઈટ 2 કલાક મોડી પડી છે. જો વધુ વિલંબ થશે તો અમે ફરિયાદ કરીશું.