- ગુજરાતી પ્રવાસીઓમાં કેરળ અને કાશ્મીર હોટ ફેવરિટ,
- વિદેશમાં ફરવા જવા માટે પણ પ્રવાસીઓમાં થયો વધારો,
- ટૂર-ટ્રાવેલ્સના ભાડામાં પણ વધારો
અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળીની રજાઓમાં પરિવાર સાથે ફરવા જવા ઘણાબધા લોકોએ બુકિંગ કરાવી દીધા છે. દેશમાં ગુજરાતીઓ હરવા-ફરવાના સૌથી વધુ શોખીન ગણાય છે. દર વખતની જેમ આ વખતે ઘણા લોકોએ વિદેશ જવા માટે ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા ફ્લાઈટ્સ અને હોટલોની બુકિંગ કરવી દીધા છે, જ્યારે ઘણા પ્રવાસીઓએ કેરળ અને કાશ્મીર સુધીના ફરવા લાયક સ્થળોનું બુકિંગ કરાવ્યું છે. દરમિયાન પ્રવાસીઓના ધસારાને લીધે ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ ફ્લાઈટના ભાડામાં 5000થી 20,000નો વધારો થયો છે. જ્યારે ટુર-ટ્રાવેલ્સ ઓપરેટરોએ પણ સ્થાનિક પેકેજમાં પણ મોટો વધારો કરી દીધો છે. આ વર્ષે ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં બાલી અને થાઇલેન્ડ હોટ ફેવરિટ છે. જ્યારે દેશમાં કેરળ અને કાશ્મીર જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
દિવાળીના તહેવારોને લીધે ટૂર-ટ્રાવેલ્સના ધંધામાં હાલ તેજીનો દૌર ચાલી રહ્યો છે. પ્રવાસીઓના ધસારાને લીધે હોટલો સહિતના ભાડામાં વધારો થતાં ટુર-ટ્રાવેલ્સના ઓપરેટરોએ પણ ટુર પેકેજના દરમાં વધારો કર્યો છે. ગત વર્ષે દક્ષિણ ભારતની ટૂરમાં વ્યક્તિ દીઠ લગભગ રૂ.20,000 નું સરેરાશ પેકેજ હતું. જેમાં આ વર્ષે 22,000થી 23,000 કરી દેવાયા છે. એટલે કે બસ દ્વારા વેકેશન માણવા માટે આ વર્ષે લોકોએ 2થી 3 હજારનું બજેટ વધારવું પડશે. આ વર્ષે ગુજરાતીઓ શ્રીનગર, કોચીન, ગોવા, બાગડોગ્રા, કોલકાત્તા અને દિલ્હી માટે અમદાવાદથી સીધી ફ્લાઈટ પંસદ કરી રહ્યા છે કારણ કે, કાશ્મીર, કેરળ, ગોવા, સિક્કિમ અને નોર્થ ઇસ્ટનાં રાજ્ય તથા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ પણ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. તદુપરાંત ઇન્ટરનેશનલ ટ્રિપ માટે દુબઇ જેવા ડેસ્ટિનેશન માટે રાઉન્ડ ટ્રિપના 22,000થી 25,000 હજાર સામાન્ય દિવસોમાં હોય છે, પરંતુ હાલમાં જો ટિકિટ બુક કરવી હોય તો તે વધીને 45,000થી 50,000 સુધી થઇ ગઈ છે, જ્યારે થાઈલેન્ડ માટે પણ સામાન્ય દિવસો કરતાં હાલમાં રાઉન્ડ ટ્રિપ માટે બેથી ત્રણ ગણો ભાવ ચૂકવવો પડે છે.
ટ્રાવેલ્સ એજન્ટ કહેવા મુજબ મધ્યમ વર્ગના પ્રવાસીઓમાં સ્થાનિક પ્રવાસની ઈન્કવાયરીઓ વધુ છે. સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી. દ્વારકા, સોમનાથ, તેમજ રાજસ્થાનના ઉદેપુર સહિતના સ્થળોના બુકિંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ વખતે હોટલોના દરમાં વધારો થયો છે. અને કાર કે મીની બસના ભાડામાં પણ વધારો થયો છે. સામાન્ય દિવસોમાં કાર ભાડું કિમી દીઠ રૂ.11થી 12 હોય છે, જેને બદલે દિવાળી વેકેશન દરમિયાન પ્રતિ કિમી રૂ.14થી 15 ચૂકવવા પડે છે. આ ઉપરાંત છ સીટર કાર એટલે કે, ખાસ કરીને ઇનોવા ક્રિસ્ટા કે ઇનોવાના ભાવમાં સામાન્ય દિવસોની સરખામણીમાં રૂ.3 સુધી વધારો થયો છે. જેમાં દરેક કાર એજન્સી અથવા કંપની દ્વારા અલગ અલગ ભાવ રાખવામાં આવ્યો છે. જેમાં ઇનોવા ક્રિસ્ટા પ્રતિ કિમી રૂ.21થી 23 ભાવ છે.