Site icon Revoi.in

દિવાળીના તહેવારોને લીધે રાજકોટના એસટી બસ સ્ટેન્ડમાં પ્રવાસીઓની ભારે ભીડ

Social Share

રાજકોટઃ દિવાળીના તહેવારોના પ્રારંભ સાથે શહેરમાં વસવાટ કરતા બહારગામના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા હોવાથી રેલવે, ખાનગી ટ્રાવેલ્સ અને એસટી બસમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજકોટના એસ ટી બસ ડેપો પર તો હૈયેહૈયું દળાય એટલી ભીડ જોવા મળી હતી. ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે 150થી વધુ એક્સ્ટ્રા બસ મુકવામાં આવી છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ પ્રવાસીને ધસારાને લીધે ભાડાંમાં વધારો કરી દીધો છે.

રાજકોટ સહિત સર્વત્ર દિવાળીના તહેવારોનો માહોલ છવાયો છે. તહેવારોમાં પોતાના માદરે વતન જવા લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટના એસટી બસપોર્ટ અને રાજકોટ ડિવિઝનના 9 ડેપો પર મુસાફરોની ભીડ જોવા મળી હતી. બુધવારથી એસટી વિભાગ દ્વારા 150 જેટલી એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓના ભીડમાં વધારો થતાં મોટાભાગની એસટી બસોનાં બુકિંગ ફૂલ થયા હતા. 50 કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવાની તૈયારી એસટી વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

રાજકોટ એસટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ દિવાળીનાં તહેવારને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં દાહોદ, ગોધરા અને સુરતના રૂટો ઉપર સૌથી વધુ ટ્રાફિક જોવા મળતા હાલ 70 જેટલી એક્સ્ટ્રા બસો શરૂ કરી દેવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રનાં જામનગર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, અમરેલી, સાવરકુંડલા અને સાળંગપુર સહિતના સ્થળોએ પણ 80 જેટલી વધારાની બસો પણ દોડાવવામાં આવી રહી છે. પ્રવાસીઓની માગ મુજબ એક્સ્ટ્રા બસો મૂકવાની તૈયારી પણ કરવામાં આવી છે. જેમાં 50 કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,  એસટી વિભાગ દ્વારા યુપીઆઈ દ્વારા પેમેન્ટ પણ સ્વીકારવામાં આવી રહ્યું છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ અંદાજે રૂ. 3 લાખ કરતા વધુ રકમનું પેમેન્ટ યુપીઆઈ મારફત મળી રહ્યું છે. આ તહેવારોમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં તેમજ એસટી વિભાગને સારી આવક થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.