Site icon Revoi.in

ચૂંટણીને લીધે ચેકિંગ કડક બનાવાતા આંગડિયા પેઢીઓને ફટકો, પાર્સલો 50 ટકા ઘટી ગયા,

A trader wearing protective hand gloves counts Indian currency notes at a market during a 21-day nationwide lockdown to limit the spreading of coronavirus disease (COVID-19), in Kochi, India, March 27, 2020. REUTERS/Sivaram V

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. દરમિયાન ચૂંટણીમાં નાણાની હેરાફેરી ન થાય તે માટે તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેના લીધે મોટાભાગના આંગડીયા પેઢીને અસર થઈ છે. આંગડીયામાં નોટો કે સોનાના દાગીના પકડાય તો તેનો હિસાબ આપવા પડતો હોવાથી વેપારીઓ માથાકૂટમાં પડવા માગતા નથી. એટલે આંગડિયા પેઢીના પાર્સલોમાં 50 જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થતાં જ સોની બજારની ચમક ઝાંખી પડે છે. પ્રતિદિન કરોડો રૂપિયાનો સ્થાનિક અને દેશભરમાં  વેપાર થાય છે. વેપારીઓ પોતાના જ અંગત માણસની સાથે માલ મગાવતા હતા. કે  કોઈ આંગડિયા પેઢી મારફત વ્યવહારો કરતા હતા. પરંતુ હાલ આચારસંહિતાને કારણે રોકડ-દાગીનાની હેરાફેરીને લઈને ખાસ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. તેથી હાલ 50 ટકા વેપાર-પાર્સલ આવતા બંધ થઈ ગયા છે. રોકડમાં અને આંગડિયા પેઢીમાં થતી હેરાફેરી થતી અટકી ગઈ છે. અત્યારે વેપારીઓ જોખી-જોખીને જ જોખમ લે છે. એટલું જ નહિ વેપારીઓને ચેકિંગના નામે થતા તોડની પણ બીક લાગે છે. રાજકોટમાં રોજ રાજસ્થાન, મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા સહિત દેશ-દુનિયાભરમાં વેપાર થાય છે. રોકડની હેરફેર માટે જે રકમની મર્યાદા નક્કી કરવામાં આવી છે તે વધારવી જોઈએ. કારણ કે અત્યારે એક દાગીનો પણ લાખો- કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવે છે. દરેક વખતે ચૂંટણી પંચની મંજૂરી લેવી અને કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું  વેપારીઓ માટે મુશ્કેલ બને  છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજકોટના વેપારીઓને દેશભરમાં પોતાનો વેપાર છે. સાધારણ રીતે દરેક દસ્તાવેજો સાથે રાખતાં જ હોય છે, પરંતુ હાલમાં સોના-ચાંદીના વેપાર અંગે ગમે ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ચેકિંગ કરે તેની સામે વાંધો નથી. પરંતુ ખોટી રીતે હેરાનગતિ બંધ થવી જોઇએ.  વેપારીઓનો માલ કાયદેસર હોવા છતાં હાલ બીજા રાજ્ય કે શહેરમાંથી માલ મગાવવાનું અને મોકલવાનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. માલ-મોકલનાર અને મગાવનાર બન્નેને એક જ ડર સતાવી રહ્યો છે કે જો પાર્સલ પકડાઇ જશે તો કાયદેસર હોવા છતાં તેને સાબિત કરવામાં અને રિલીઝ કરવામાં બે દિવસથી લઈને એક સપ્તાહ જેટલો સમય નીકળી જશે. કારણ કે દસ્તાવેજ રજૂ કરીએ અને ત્યારબાદ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. એટલે વેપારીઓ અત્યારે દુકાનમાં મર્યાદિત અને ઓર્ડર પૂરતો જ માલ રાખે છે. જો દુકાનમાં વધુ માલ રાખવામાં આવે અને ચેકિંગ આવે તો તેનો ખુલાસો રજૂ કરવો પડે. એટલું જ નહિ માલ મગાવીએ કે મોકલીએ અને તે અધવચ્ચે પકડાઈ જાય તો જે ઓર્ડર છે તે સમયસર પૂરો કરવામાં મુશ્કેલી પડે એવું વેપારીઓ માની રહ્યા છે. (file photo)