અમદાવાદઃ ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે હવાનું દબાણ સર્જાતા છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાંયું બનતા ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો હતો. સોમવારે વહેલી સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયું હતું. તેના લીધે વિઝિબિલીટી ઘટતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. શનિવાર અને રવિવારે એમ સતત બે દિવસ ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે સોમવારે રાજ્યભરમાં ધુમ્મસ છવાયું હતું. જેના લીધે કાશ્મીર જેવા આહલાદક વાતાવરણનો નજારો જોવા મળ્યો હતો. સવારથી જ અમદાવાદ શહેરનું વાતાવરણ ધુમ્મસભર્યું રહ્યું હતું.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. એને પગલે 50 ફૂટ દૂર પણ બરાબર જોઈ શકાતું ન હતું. એથી વાહનચાલકોને ફરજિયાતપણે વાહનોની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. જ્યારે ધુમ્મસની અસર હાઈવે પર વધારે જોવા મળે છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને NH 48 પર ધુમ્મસ વધારે હોવાથી વાહનચાલકોએ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ચાલકોને વિનંતી કરી હતી. જોકે આજે સોમવારે બપોર પછી સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતાં વાદળાં વિખરાયા હતા. સૂર્યનારાયણે દર્શન આપતા વાતાવરણ થોડુ હુફાળું બન્યું હતું.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ વાદળો વિખેરાતા લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. બપોર પછી પવનની ગતિ વધી હતી, જ્યારે એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ધુમ્મસને કારણે 50 જેટલી ફ્લાઇટ મોડી પડી હતી. સવારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ, જ્યારે બપોરે એરટ્રાફિકને કારણે ફ્લાઇટોના શેડ્યૂલ ખોરવાયાં હતાં. આ શિયાળામાં એક જ દિવસમાં લેટ પડેલી ફ્લાઇટોનો રેકોર્ડ તૂટ્યો છે. મોટા ભાગની ફ્લાઇટો 45 મિનિટથી માંડી 2 કલાક સુધી લેટ પડી હતી. બપોરે એક પછી એક ફ્લાઇટના લેન્ડિંગથી રન-વે પર પ્રોબ્લેમ થઈ જતાં અમદાવાદથી ટેકઓફ થતી ફ્લાઇટોએ રાહ જોવી પડી હતી. કેટલીક ફ્લાઇટમાં પેસેન્જર બેસી ગયા પછી પણ પુશબેકમાં વિલંબ થયો હતો. મોડી પડેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટોમાં એર અરેબિયા, એતિહાદ, એમિરેટ્સ અને સ્પાઇસ જેટની ફ્લાઇટનો સમાવેશ થાય છે. એમિરેટ્સની દુબઈની ફ્લાઇટ એક કલાક જ્યારે સ્પાઇસ જેટની ફ્લાઇટ અઢી કલાક મોડી પડી હતી. એર અરેબિયાની શારજાહાં અને એતિહાદની અબુધાબી ફ્લાઇટ એક-એક કલાક મોડી પડી હતી.