Site icon Revoi.in

દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસને પગલે હવાઈ અને રેલવે સેવા ખોરવાઈ, પ્રવાસીઓની મુશ્કેલી વધી

Social Share

નવી દિલ્હીઃ પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ગુરુવારે સવારે દિલ્હી એનસીઆરમાં ધુમ્મસ હતું. વધતી જતી ઠંડી અને ધુમ્મસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ ઉપર ટ્રાફિકની સાથે રેલ્વે અને હવાઈ સેવાને પણ અસર થઈ છે. ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. તેમજ દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી 0-50 મીટરની રેન્જમાં છે. 28 ડિસેમ્બરે સવારે 5:30 વાગ્યે સફદરજંગમાં 50 મીટર અને પાલમમાં 25 મીટરની વિઝિબિલિટી નોંધાઈ હતી.

ઉત્તરભારતમાં કડકડતી ઠંડી અને ધુમ્મસને કારણે જનજીવન ખોરવાયું છે. ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઈટને પણ અસર થઈ રહી છે. દિલ્હી એરપોર્ટ FIDS મુજબ, દિલ્હી એરપોર્ટ પર લગભગ 134 આગમન અને પ્રસ્થાન કરતી ફ્લાઈટ્સ (ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ) પ્રભાવિત થઈ રહી છે. ભારતીય રેલ્વે અનુસાર, દિલ્હી ક્ષેત્રમાં 22 ટ્રેનો મોડી ચાલી રહી છે. રેલ વ્યવહાર અને ફ્લાઈટ સેવા ખોરવાતા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

અગાઉ, ધુમ્મસના કારણે મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી લગભગ 30 આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. આ સમયગાળા દરમિયાન, પાલમ એરપોર્ટ પર 50 મીટર અને સફદરજંગ એરપોર્ટ પર 125 મીટર સુધી વિઝિબિલિટી નોંધવામાં આવી હતી. બપોરે 12 વાગ્યા બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. સવારે ટ્રેનોની અવરજવર પર ખરાબ અસર પડી હતી. રાજધાની અને વંદે ભારત જેવી ટ્રેનો કલાકો મોડી ઉપડી અથવા તો દિલ્હી મોડી પહોંચી હતી. 50 થી વધુ ટ્રેનોના સંચાલનને અસર થઈ છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગાઢ ધુમ્મસને કારણે 11 ફ્લાઈટને જયપુર અને એક ફ્લાઈટને લખનૌ ડાયવર્ટ કરવામાં આવી હતી. વિઝિબિલિટીમાં સુધારો થયા બાદ તમામ વિમાનોને બપોરે 12 વાગ્યા સુધીમાં દિલ્હી એરપોર્ટ પર પાછા ઉતારવામાં આવ્યા હતા. બુધવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું. કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી વધુ 22 ડિગ્રી નોંધાયું હતું. સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયા બાદ સૂર્ય ચમક્યો હતો. ધુમ્મસની અસર સવારે 11 વાગ્યા સુધી રહી હતી.

ગાઝિયાબાદમાં ધુમ્મસના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાઝિયાબાદના જિલ્લા મૂળભૂત શિક્ષણ અધિકારીએ ધોરણ 1 થી 8 સુધીની તમામ શાળાઓને સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ચલાવવાનો આદેશ આપ્યો છે.