Site icon Revoi.in

વઢવાણના ગણપતિ ફાટકને લીધે વારંવાર થતા ટ્રાફિક જામને લીધે વાહનચાલકો પરેશાન

Social Share

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર ટ્વીનસિટી ગણાય છે. જેમાં વઢવાણના ગણપતિ ફાટક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. આ વિસ્તારમાં રેલવેનું ફાટક પણ ટ્રાફિક સમસ્યા માટે કારણભૂત છે. પ્રતિદિન 40થી વધુ ટ્રેનો પસાર થતી હોવાથી ફાટક વારંવાર બંધ થતું હોવાથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રેલવેના ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માગ ઊઠી છે.

વઢવાણની ગણપતિ ફાટકે દૈનિક 40થી વધુ ટ્રેન આવ-જા કરે છે, અને દરેક ટ્રેનના સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાતા રાહદારીઓ, વાહનચાલકો તેમજ રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ સ્થળે તંત્ર દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવે તો આ હાલાકી દૂર થશે તેવી રહીશોમાં માગણી ઊઠી છે. સુરેન્દ્રનગર તેમજ વઢવાણ ઘરશાળા, દૂધની ડેરી પુલ, ગણપતિ ફાટસર બાયપાસ રોડ તેમજ જોરાવરનગર તરફ આવતા જતા વાહનો ગણપતિ ફાટક પાસે પસાર થાય છે. અને અહીં 4 રસ્તા હોવાથી ચારેય દિશાઓમાંથી વાહનો આવે છે. અને  રેલવે ફાટક હોવાથી વારંવાર ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળી રહી છે.

ગણપતિ રેલવે ફાટકેથી દૈનિકની 40થી વધુ ટ્રેન પસાર થતી હોવાથી વારંવાર ફાટક બંધ થાય છે. આ રસ્તા પરથી શાળા, કોલેજ સહિતના અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ પણ રિક્ષાઓ, બાઇકો સહિતના વાહનો પર અવરજવર કરે છે. આથી ટ્રાફિક જામ અને વધુ પડતા વાહનોની અવરજવરથી રાહદારીઓ, વાહનચાલકોને પણ અકસ્માતનો ભય રહે છે. આ અંગે સ્થાનિક લોકોના કહેવા મુજબ  આ સ્થળે વર્ષોની આ સમસ્યા રહી છે અને તે બાબતે તંત્રને પણ જાણ છે. આથી ઓવરબ્રિજનો આ સ્થળે બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દુર થઈ શકે તેમ છે.