અમદાવાદઃ દેશમાંથી વિદેશ જનારાઓમાં ગુજરાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ગણાબધા વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાં જતાં હોય છે. ઉપરાંત વિઝિટર વિઝા પર પણ અનેક લોકો વિદેશ જતાં હોય છે. ત્યારે વિદેશમાં કાર કે કોઈ વાહન ચલાવી શકાય તે માટે આરટીઓ કચેરીમાંથી ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી લેવામાં આવે છે. જો કે જે દેશમાં વાહન ચલાવો તો ત્યાંના ટ્રાફિકના કાયદા-નિયમોને પણ જાણવા જરૂરી છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત સહિત શહેરોમાં ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવનારાઓની સંખ્યા વધી રહી છે.
ગુજરાતમાંથી વિદેશમાં જવાનો ક્રેઝ તો છે પણ હવે વિદેશમાં ગાડી ચલાવવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે. જેના પગલે ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ લાયસન્સની ડિમાન્ડ વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગાંધીનગરમાંથી ઇન્ટરનેશનલ લાયસન્સ લેવાનો આંક બમણો થઇ ગયો છે. વિદેશમાં વાહન ચલાવવા માટે આઇડીપી ફરજિયાત છે. ગત વર્ષ-2019માં 732ની સામે વર્ષ-2022માં 1567 ઇન્ટરનેશનલ લાયન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે.વર્તમાન સમયમાં લોકોમાં વિદેશમાં જવાનો ક્રેઝ વધારે પડતો જોવા મળી રહ્યો છે. તેમાંય યુવાનો અને યુવતીઓમાં વિદેશમાં અભ્યાસ કરીને ત્યાં જ પીઆર મેળવીને સેટલ થવા માટે વિદેશમાં જઇ રહ્યા છે. વિદેશમાં નોકરીના સ્થળે જવા માટે પોતાની કાર હોવી જરૂરી છે. વિદેશમાં સેટલ થતાં વિદ્યાર્થીઓ શરૂઆતમાં સેકન્ડહેન્ડ કાર ખરીદી લેતા હોય છે. ત્યારે ત્યાં કાર ચલાવવા માટે ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ જરૂરી બને છે. આથી વિદેશ જતા લોકો નગરના આરટીઓ કચેરીમાંથી ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવી રહ્યા છે. હવેના યુવાનો વિદેશ જતા પહેલાથી જ ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવી રહ્યા છે. જોકે તેના માટેની પ્રક્રિયા પણ નિયત કરવામાં આવી છે. જેને અનુસર્યા બાદ લાયસન્સ અપાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અરજદારે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે વિદેશના વીઝા અને એર ટિકિટની સાથે અરજી કરવાની હોય છે. જેના માટે નિયત કરેલી ફી ભરવાની હોય છે. ફોર વ્હિલરના લાયન્સના આધારે ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમિશન (આઇડીપી) કાઢી આપવામાં આવે છે. પરંતુ હેવી વાહનોના લાયસન્સના આધારે ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમિશન (આઇડીપી) મળતી નથી.