ગુજરાતમાં ગરમીને લીધે વીજ માગમાં વધારો, કેન્દ્રિય પાવર એક્સચેન્જ પાસેથી વીજ ખરીદવી પડી
અમદાવાદઃ ગુજરાતમાં વધતા જતા તાપમાનને લીધે વીજ માગમાં વધારો થઈ રહ્યો છે. હવે તો તમામ ઘરોમાં અને ઓફિસોમાં પણ એસી લગાવેલા જોવા મળી રહ્યા છે. રાતના સમયે પણ સૌથી વધુ વીજ લોડ રહેતો હોય છે. એટલે વીજળીની માગ વધતા તેને પહોંચી વળવા માટે ગુજરાત સરકારને કેન્દ્રિય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે. જેમાં 11 મેના રોજ વીજળીની મહત્તમ માંગ 24,459.90 મેગાવોટ હતી. અને સરકારે કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી 800 મેગાવોટ જેટલી વીજળી ખરીદવાની ફરજ પડી હતી.
ગુજરાતમાં વીજ વપરાશ વધી રહ્યો છે. સરકાર ખાનગી કંપનીઓ પાસેથી પણ વીજળીની ખરીદી કરી રહી છે. રવિવારે રાજ્યમાં વીજ માગ 22,429 મેગાવૉટ રહી હતી. જ્યારે ગત શનિવારે રાજયમાં રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઇ હતી. એટલે કે વીજળીની મહત્તમ માગ 24,459.98 મેગાવૉટએ પહોંચી હતી. જે ચાલુ વર્ષના ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ હતો. રાજ્યમાં વીજળીની ખપત વધતાં ગુજરાતને કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી હતી. તેમાં 800 મેગાવૉટ જેટલી વીજળી કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી રાજ્ય સરકારે ખરીદી હતી.
રાજ્યના ઊર્જા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કૃષિ વીજ માગમાં વધારો અને હિટ વેવની ઇફેક્ટના કારણે વીજ માગ આ સિઝનની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે.. આગામી જૂન માસમાં વીજ માગ 25200-25500 મે.વો.ની સપાટીએ પહોંચે તેવું અનુમાન છે. ગત તા. 1લી મેના રોજ રાજ્યમાં 21795 મે.વો.વીજ માગ સામે 2363 મે.વો.નો વધારો જોવા મળ્યો હતો. રાજ્યમાં આ વર્ષે હિટવેવના પગલે ઘરગથ્થુ વીજ માગ પણ વધી રહી છે. બીજી તરફ ઔદ્યોગિક વીજ માગની સાથે સાથે કૃષિ વીજ માગ પણ વધી છે. આ વર્ષે રાજ્યના ઘણા શહેરોમાં ઉષ્ણતામાનનો પારો 40 ડિગ્રી ઉપરાંત રહ્યો છે. જેના પગલે નાગરિકોએ એરકુલર, ઇલે.પંખા સહિતના વીજ ઉપકરણોનો વપરાશ વધાર્યો છે. ગતવર્ષે 1લી નવેમ્બરના રોજ વીજ માંગ ઐતિહાસિક સપાટીએ રહી હતી. આ વીજ માગ 24544 મે.વો.ની સપાટીએ રહી હતી.