Site icon Revoi.in

રાજકોટમાં ભારે વિરોધ થતાં ધાર્મિક સ્થળોના દબાણો દુર કરવાની કાર્યવાહી રોકી દેવામાં આવી

Social Share

રાજકોટઃ  શહેરમાં થોડા દિવસો પહેલા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ વિસ્તારમાં આવેલા 2000 કરતા વધુ  ધાર્મિક દબાણકારોને નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ મ્યુનિ. દ્વારા  રોડ પરની બે નાની દેરીઓ પણ તોડી પાડવામાં આવી હતી. આથી હિન્દુ સંગઠનો દ્વારા મ્યુનિ.ની કાર્યવાહી સામે ભારે વિરોધ ઊભો થયો હતો. આથી હાલપૂરતી ધાર્મિક સ્થળોના દબાણો હટાવવાની કામગીરીને બ્રેક મારવામાં આવી છે.  જોકે આ માટે ટાઉન પ્લાનિંગ શાખાનો સ્ટાફ અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાનું કારણ અપાયું છે. જોકે, અંદરખાને રાજકીય હસ્તક્ષેપને કારણે કામગીરી સ્થગિત કર્યાની ચર્ચા ઊઠી છે.

આરએમસીના સૂત્રોના કહેવા મુજબ  રાજકોટ શહેરમાં નાના-મોટા 2000 કરતા વધુ ધાર્મિક દબાણો છે. જેમાં મોટાભાગે શેરી, ગલી અને ટી.પી.ના પ્લોટમાં બની ગયેલી દેરીઓ અને નાના ઓટાઓ સામેલ છે. ટી.પી. શાખા દ્વારા સર્વે કરીને આ વિગતો એકઠી કરાઈ હતી, જેનો રિપોર્ટ કરાયો હતો. આ રિપોર્ટમાં ત્રણે ઝોન પૈકી ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ 1000 જેટલા ધાર્મિક સ્થળના દબાણ હોવાનું જયારે સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં 500-500 કરતા વધુ દબાણો હોવાનો રિપોર્ટ અપાયો હતો. આ તમામ દૂર કરવા માટે કાર્યવાહી કરવાની હતી. ગત સપ્તાહમાં મ્યુનિ. દ્વારા કુલ 2000 કરતા વધુ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસો આપવામાં આવી હતી. બાદમાં બે સ્થળે ધાર્મિક દબાણો હટાવવા માટે મ્યુનિની ટીમો ગઈ હતી અને ડિમોલિશન પણ કરાયા હતા. જોકે, બીજે દિવસે મોટાપાયે ઉહાપોહ થયો હતો. એટલું જ નહીં મ્યુનિ.ના પદાધિકારીઓ તેમજ નગરસેવકો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ આ કામગીરી અટકાવવામાં આવી છે. હાલમાં ટીપી શાખાના કર્મચારીઓ અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે આ કામગીરી મોકૂફ રાખવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જણાવાઈ રહ્યું છે. જોકે, અંદરખાને રાજકીય વિરોધને પગલે હાલ આ કામગીરી મુલત્વી રાખવામાં આવી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.