Site icon Revoi.in

દૂબઈમાં ભારે વરસાદથી એરપોર્ટ પર પાણી ભરાતાં ગુજરાત આવતી ફ્લાઈટ્સને અસર,

Social Share

અમદાવાદઃ દુબઈમાં ભારે વરસાદને કારણે દુબઈ એરપોર્ટ ઉપર પણ પાણી ભરાઈ ગયાં છે. જેથી ફ્લાઇટ્સના શેડ્યુલ ખોરવાઈ ગયા છે. ફ્લાઈટ્સ ઓપરેશન 12 કલાકથી વધુ સમય માટે બંધ રહેતા અનેક પ્રવાસીઓ એરપોર્ટ પર અટવાઈ ગયા હતા.જો કે કેટલીક ફ્લાઈટ્સએ ઉડાન ભરતા પ્રવાસીઓને રાહત થઈ હતી. પણ ફ્લાઈટ્સ એના નિર્ધારિત સમય કરતા મોડી ઉડાન ભરી રહી છે.

હેવી સાયક્લોનની સ્થિતિ વચ્ચે બે દિવસથી ભારે વરસાદ પડતાં દુબઈ એરપોર્ટ પર પાણી ભરાતાં તમામ એર ઓપરેશન બંધ કરવામાં આવ્યાં હતા. દુબઈ એરપોર્ટ ઓથોરિટીએ ટેમ્પરરી તેની કામગીરી સ્થગિત કરી હતી. જેને લીધે દુબઈથી સુરત આવતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી અને સુરત એરપોર્ટ પર 5 કલાક લેટ પહોંચી હતી. જ્યારે બુધવારે ફ્લાઈટ ખરાબ વાતાવરણને કારણે રદ કરવામાં આવી હતી. મંગળવારે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, યુએઈમાં ભારે વરસાદ બાદ એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ ગયાં છે. શારજાહ એરપોર્ટ પર પણ પાણી ભરાયાં છે. એરપોર્ટ જવા માટેના રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ કે ઇન્ડિગો એરલાઈન્સે સુરતથી દુબઈ, શારજાહની ફ્લાઈટ સંબંધે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે રાત્રે 10.40 કલાકે દુબઈથી સુરત આવતી ફ્લાઈટ પાંચ કલાક જેટલી લેટ થઈ હતી. આ ફ્લાઈટ સવારે 3.27 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચી હતી. બુધવારે સુરતથી દુબઈ જતી ફ્લાઈટને રદ કરવામાં આવી હતી.

દુબઈ ઈન્ટરનેશનલ (DXB) એરપોર્ટે મંગળવારે અસ્થાયી રૂપે કામગીરી સ્થગિત કરી દીધી હતી. જ્યારે પ્રતિકૂળ હવામાનને કારણે 45 ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તેણે ચેતવણી આપી હતી કે, ખરાબ હવામાનને કારણે બુધવારે સવારે પણ ફ્લાઈટમાં વિલંબ અને વિક્ષેપ થઈ શકે છે. દુબઈ એરપોર્ટ્સે જણાવ્યું હતું કે, દુબઈની આસપાસના એક્સેસ રોડ પર મોટા પ્રમાણમાં પૂર આવ્યું છે. જે એરપોર્ટ તરફ દોરી જાય છે અને વર્તમાન હવામાન આગાહી સૂચવે છે કે, અસ્થિર હવામાન બુધવાર 17 એપ્રિલે સવારે પ્રારંભિક કલાકોમાં વિલંબ વિક્ષેપનું કારણ બનશે.

દુબઈ એરપોર્ટ્સે જણાવ્યું હતું કે હવામાનને કારણે મંગળવારે 17 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. મંગળવારની વહેલી સવારે UAEના મોટા ભાગોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાં આવ્યાં બાદ હવામાનની ચેતવણીઓ યથાવત્ છે. જોકે બુધવારથી વરસાદ બંધ થતાં દૂબઈના રહેવાસીઓ અને સરકારે રાહતનો શ્વાસ લીધો હતો.