પાવાગઢમાં ભારે વરસાદને પગલે ડુંગર ઉપર દર્શનાર્થીઓના જવા ઉપર પ્રતિબંધ
અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આથી યાત્રાધામ પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારે વરસાદ પડવાને લીધે ડુંગરની સીડીઓ પરથી પાણીઓ વહી રહ્યા છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા પાવાગઢને લઈને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. પાવાગઢમાં દૈનિક હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે અને આથી કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ પર પગથિયાં ચડવા ઘણા જ કઠિન છે અને વરસાદ દરમિયાન આ પગથિયાંઓ પરથી ધોધમાર પાણી વહી રહ્યું છે. આથી આ દરમિયાન કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ તંત્ર દ્વારા દર્શન પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.