Site icon Revoi.in

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓએ ભયજનક સપાટી વટાવી, શાળા કોલેજો બંધ,

ભારે વરસાદથી નદીઓએ ભયજનક
Social Share

વલસાડઃ આજે સોમવારે દિવસ દરમિયાન પણ વલસાડના કપરાડા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, દરમિયાન આજે સવારે 7 વાગ્યો પુરા થતાં 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં વલસાડના ધરમપુરમાં 8 ઈંચ, વલસાડમાં 7 ઈંચ, કપરાડામાં સાડા 6 ઈંચ, વાપીમાં 5 ઈંચ વરસાદ પડતા જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા આજે શાળા કોલેજો બંધ રહ્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં રવિવારે સારોએવો વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લાના ખેરગામ  તાલુકામાં નવ ઇંચ જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાતથી આઠ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના ડાંગ – આહવા તાલુકા, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને નવસારી જિલ્લાના ચિખલી અને વાંસદા મળીને કુલ ચાર તાલુકામાં છ – છ ઇંચ વરસાદ પડતા નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.   પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના પગલે કાંઠા અને નીચાણવાળા સ્થળો પર પૂરના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે. સેંકડો લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરાયું છે.

આ ઉપરાંત વઘઈ અને પારડી તાલુકામાં પાંચ – પાંચ ઇંચ, જ્યારે વાપી, સુબીર અને ડોલવણ મળીને કુલ ત્રણ તાલુકામાં ચાર –ચાર ઇંચ, તથા ઉમરગામ, તિલકવાડા, અને ગણદેવી મળીને કુલ ત્રણ તાલુકામાં બે –બે ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 05 ઓગસ્ટ, 2024ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 67 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 86 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં 81 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 77 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત,  ઉત્તર ગુજરાતમાં 50 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 48 ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના વાપી અને વલસાડ સહિત ડાંગ જિલ્લામાં ભારે વરસાદના લીધે મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના પગલે વાપી-વલસાડ જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે 5મી ઓગસ્ટે સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને આઇટીઆઇમાં જાહેર રજા જાહેર કરી છે. તેમજ પારડી, વાપી, ગણદેવી,ચીખલી,બીલીમોરા અને ઉમરગામમાં પણ આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.