Site icon Revoi.in

રાજકોટમાં વરસાદની અસર, કેટલાક ડેમના દરવાજાને ખોલવામાં આવ્યા

Social Share

રાજકોટ: ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લામાં ભારે વરસારના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી તો ભરાઈ જ ગયા છે ત્યારે હવે ડેમ પણ ઓવરફ્લો ન થાય તે માટે ડેમના દરવાજાને ખોલવામાં આવ્યા છે. જાણકારી અનુસાર ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમનો એક દરવાજો 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ ડેમ ગમે ત્યારે છલકાવાની શક્યતા હોવાથી ડેમનો એક (01) દરવાજો 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે.

આ સાથે આ ડેમની નજીક આવેલા નિચાણવાળા વિસ્તારમાં ધોરાજી તાલુકાના ભોળા, ભોળ ગામડા, છાડવાવદર, સુપેડી ગામ તથા ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભિમોરા ગાધા, ગંદોળ, હાડફોડી, ઈસરા, કૂંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા અને ઉપલેટા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ શહેરના મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ  ન્યારી-2 ડેમના 4 દરવાજા બે ફટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગોવિંદપુર, ખામટા, રામપર, વણપરી અને તરધડી ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના દક્ષિણ, પશ્ચિમ, પૂર્વમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક સ્થળો પર કોઈ પણ પ્રકારની જાનહાની ટળે તે માટે મદદ પણ ગોઠવી દેવામાં આવી છે. થોડા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે નોકરીયાત વર્ગના લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.