Site icon Revoi.in

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે નડાબેટના રણ વિસ્તારમાં ભરાયા પાણી,

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં સારા વરસાદને કારણે નડાબેટ વિસ્તારના રણમાં પાણી ભરાઈ ગયા છે. શનિવારે ભારે વરસાદ ખાબકતાં થરાદ, ભાભર અને વાવ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે સુઇગામમાં ધોધમાર વરસાદ વરસતાં નડાબેટ બોર્ડર સમુદ્રમાં ફેરવાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  પાણીની એક એક બુંદ માટે વલખા મારતો રણકાંઠો સમુદ્રમાં ફેરવાતા સ્થાનિકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. તો બીજી તરફ સીમા દર્શન કરવા આવતા પ્રવાસીઓ અહલાદક વાતાવરણની મોજ માણી રહ્યા છે. જોકે, ધોધમાર વરસાદ વચ્ચે પણ BSFના જવાનો માતૃભૂમિના રક્ષણ માટે ફરજ બજાવી રહ્યા છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તાર અને ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલો નડાબેટ વિસ્તાર હાલ દરિયા જેવો બની ગયો છે. જેથી નડાબેટની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. અજાયબ લાગે તેવા દ્રશ્યો અહીં સર્જાયા છે. રણકાંઠો દરિયો જેવો ભાસી રહ્યો છે, અફાટ રણ દરિયો બનતા ઠંડા પવન ફૂંકાતા નડાબેટ રણમાં રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજા સમયાંતરે ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. થરાદમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ લાખણીમાં ચાર ઇંચ, વડગામ અને સુઈગામમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું છે. રણ વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં દુર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદને કારણે નડાબેટ તરફનો હાઈવે પણ ધોવાઈ ગયો છે.