Site icon Revoi.in

હવામાનમાં ઉષ્ણતામાન અને ભેજનું પ્રમાણ વધુ હોવાને લીધે કેરીનો પાક બજારમાં મોડો આવશે

Social Share

જુનાગઢઃ શિયાળાના બે મહિના વિતી ગયા છતાં હજુ કડકતી ઠંડીનું આગમન થયુ નથી. હાલ વાતાવરણમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. દિવસના ભાગમાં વધારે ગરમી જોવા મળી રહી છે અને તેની અસર રસદાર કેસર કેરી પર પડી છે. ઉંચા તાપમાનના પારાના કારણે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં કેસરનું વાવેતર કરતાં વિસ્તારોમાં આંબાના વૃક્ષના ફૂલો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. બાગકામ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, 15 ડિસેમ્બરે ફૂલો આવવાની શરૂઆત થઈ જાય છે અને આ પ્રક્રિયા માટે રાત્રિનું તાપમાન 10થી 15 ડિગ્રી સેલ્સિયસ અને દિવસના સમયે 25થી 30 ડિગ્રીની જરૂર પડે છે. જો કે, આ વર્ષે બંને સમયે ગરમીનો પારો ઉંચો છે. એટલે આંબાઓ પર મોર બેસવામાં સમય લાગશે. તેના લીધે બજારમાં કેરીનો પાક મોડો આવવાની શક્યતા છે. કેસર કેરી માટે દિવસ અને રાત્રિ વચ્ચે તાપમાનની વધઘટ 10 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન હોવી જોઈએ.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિ. કોલેજ ઓફ હોર્ટિકલ્ચરમાં ફ્રૂટ સાયન્સ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડીકે વારુએ જણાવ્યું હતું કે, હાલ સોરઠ પંથકમાં દિવસનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે અને દિવસ તેમજ રાત્રિના તાપમાન વચ્ચે 20 ડિગ્રીનો તફાવત છે. ડિસેમ્બરના પહેલા પખવાડિયામાં વૃક્ષોના પરાગનયન પર માઠી અસર થઈ છે.  વધુમાં ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદના કારણે પણ આંબાના વૃક્ષ પરની નવી ડાળીઓ પરિપક્વ ન હોવાથી ફૂલો આવવામાં વિલંબ થયો છે.  આંબાઓ પર ફૂલો આવવા તે કુદરતી પ્રક્રિયા છે. જો કે, આ વર્ષે ગરમ વાતાવરણના કારણે તેની પ્રક્રિયામાં મોડું થયું છે અને તેના પરિણામરૂપે કેરીનો પાક મોડો પાકશે.

કૃષિ યુનિના અન્ય પ્રોફેસરના કહેવા મુજબ ખરાબ હવામાનના કારણે કેરીના પાકને રોગ લાગ્યો છે અને ખેડૂતોએ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. છેલ્લા બે અઠવાડિયાથી તાપમાન અનુકૂળ નથી અને જ્યાં કેરીનું વાવેતર થાય છે તે વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. કેરીના સારા પાક માટે આગામી એક અઠવાડિયા માટે શિયાળામાં યોગ્ય તાપમાન હોવું જરૂરી છે’. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં આશરે 25 હજાર હેક્ટરમાં કેસર કેરીની ખેતી થાય છે અને એક સીઝનમાં સરેરાશ 2.50 લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. દક્ષિણ ગુજરાતમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે, જે વલસાડી હાફૂસ (અલ્ફોન્સો) માટે જાણીતું છે. ’હાલમાં પડેલા કમોસમી વરસાદના કારણે ફૂલોને નુકસાન થયું છે તેથી ફુલ 15 દિવસ મોડા બેસશે.