ભાવનગરઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકી બીજા ક્રમનો શેત્રુંજી ડેમ પાલીતાણા તાલુકામાં આવેલો છે. શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે 12,385 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમની સપાટી 24.10 ફૂટે પહોંચી છે. ડેમ 50 ટકાથી વધારે ભરાઈ ગયો છે.
ગોહિલવાડમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. સારા વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી રહી છે. શેત્રુંજી ડેમ સહિત જિલ્લામાં કુલ 12 જેટલાં નાના-મોટા ડેમો આવેલાં છે. હાલમાં મોટાભાગના ડેમમાં પાણીની આવક શરૂ છે. આ અંગે સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુરુવાર સવારથી જ શેત્રુંજી ડેમમાં પાણીની આવક અવિરીત શરૂ રહી છે. સવારમાં 8117 ક્યુસેક પાણીની આવક શરૂ હતી અને સપાટી 24.6 ફૂટે પહોંચી હતી. જ્યારે બપોરે સુધીમાં 12,385 ક્યુસેક પાણીની આવક શરૂ હતી. જેના કારણે ડેમની સપાટી 24.10 ફૂટે પહોંચી હતી. શેત્રુંજી ડેમની ઓવરફ્લો થવાની સપાટી 55.53 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 57.68 ફૂટ છે,
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર શહેરમાં આવેલો ઐતિહાસિક ગૌરીશંકર સરોવર સહિત જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ તથા તાલુકાના ગામડાઓમાં આવેલા નાનાં મોટાં ડેમો જળાશયોમાં હાલમાં ઉપરવાસમાં થઈ રહેલા સારા વરસાદને પગલે નવાં નીરની આવક અવિરતપણે શરૂ છે. પરિણામે તંત્ર તથા આમજનતામાં રાહતની લાગણી પ્રસરી છે. શેત્રુંજી ડેમ અડધો ભરાઈ ગયો છે. અને હાલ પાણીના આવક ચાલુ છે. દરમિયાન હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે જો વરસાદ પડશે તો સપ્તાહમાં શેત્રુંજી ડેમ છલોછલ ભરાઈ જશે.