રાજકોટ : સૌરાષ્ટ્રમાં આ વખતે કપાસનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાની ધારણા છે. માર્કેટયાર્ડ્સમાં કપાસની આવક પણ શરૂ થઈ ગઈ છે. અને કપાસનું જે વાવેતર થયુ હતું અને સારા વરસાદ અને સાનુકૂળ વાતાવરણને લીધે કપાસનો પાક જે જોવા મળી રહ્યો છે, તે જોતા રૂનું ઉત્પાદ એક કરોડ ગાંસડી થવાની વેપારીઓ ધારણા રાખી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર જિનર્સ એસોસીએશનની વાર્ષિક સભા આજે તા. 25 સપ્ટેમ્બરને રવિવારે અમરેલી તાલુકાના ચિતલના દેસાઇ કોટેક્સ ખાતે મળી રહી છે. બેઠકમાં ઉદ્યોગ દ્વારા પાકના અંદાજો, પડકારો અને તેના ઉકેલ વિષે ચર્ચા કરાશે ચાલુ વર્ષે સારાં વાવેતર અને વરસાદ પછી ગુજરાતમાં રૂનું ઉત્પાદન 95થી 100 લાખ ગાંસડી સુધી જવાનો અંદાજ પણ મૂકાય એવી પૂરી શક્યતા છે. રૂના વેપારીઓના કહેવા મુજબ કપાસનું ઉત્પાદન કરનારા દેશોમાં ભારત અગ્રસ્થાને છે પણ હેક્ટરદીઠ ઉત્પાદકતામાં ઘણું જ પાછળ છે. ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા કપાસના બિયારણનું સમગ્ર રાષ્ટ્રમાં સ્ટાન્ડર્ડાઇઝેશન કરવામાં આવે તે જરૂરી છે. કોઇ કોમોડિટીઝમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ નથી અને કપાસ પર છે તો તે દૂર કરવા માટે પણ આજની બેઠકમાં ચર્ચા થશે. બાદમાં સરકારમાં રજૂઆત કરાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં રૂનું ઉત્પાદન ગયા વર્ષમાં 75 લાખ ગાંસડી કરતા ય ઓછું હતુ તેની સામે હવે નવો અંદાજ 1 કરોડ ગાંસડી સુધીનો રહે તેવી શક્યતા છે. ગયા સપ્તાહ સુધી વરસાદ પડયો હોવાથી કપાસના ફાલને અનેકગણો ફાયદો મળ્યો હોવાનું જિનર્સ કહી રહ્યા છે. હવે વરસાદ ન પડે તો ઉત્પાદન ધારણા પ્રમાણે જ થવાનું નક્કી છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં આશરે 600 જેટલી જિનીંગ મિલો છે. એમાંથી અત્યારે ડઝનેક જેટલા જિનો ચાલુ થયા છે. જોકે હવે નવરાત્રિ અને દશેરાના તહેવારની આસપાસ વાતાવરણ સારું રહે તો 75થી 100 જેટલા જિનોમાં ગાંસડી બંધાવાનું શરૂ કરી દેવામાં આવશે. કપાસની આવક સૌરાષ્ટ્રમાં હવે 50 હજાર મણ થવાની ધારણા છે. નવા કપાસમાં હવા ઝાઝી આવે છે એટલે જિનોમાં ચાલતા નથી અને ભાવ રૂ. 1500-1900 પ્રતિ મણ ચાલે છે. જોકે સૂકો કપાસ આવશે એટલે મિલોને ઘાટી નહીં પડે અને આઉટન પણ સારું મળશે એટલે અત્યારે મણે રૂ. 200 આસપાસની ખોટ જાય છે તે અટકશે. જિનર્સનું માનવું છે કે, કપાસનો ભાવ મણે રૂ. 1600-1700ની આસપાસ સારાં માલમાં સહેલાઇથી પહોંચી જાય એવી પૂરતી સંભાવના છે. ગાંસડીનો ભાવ ખાંડીએ રૂ. 75 હજાર થયો છે તે હજુ ક્રમશ: રૂ. 65 હજાર સુધી પહોંચી જાય તેમ છે. ચાલુ વર્ષે નિકાસ બજારમાં પણ ભારતને ફાયદો મળે તેમ છે. કારણકે પાડોશી દેશ પાકિસ્તાનમાં પાકને પૂરને લીધે ખાસ્સું નુક્સાન થયેલું છે.