ધો.10માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓના એલસીમાં નોંધ બાબતે બોર્ડનું માર્ગદર્શન મંગાયુ
અમદાવાદઃ રાજ્યના ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ અનેક પ્રશ્નો સર્જાયા છે. પ્રથમ તો પ્રવેશની મોટી સમસ્યા સર્જાવવાની છે. ડિપ્લામાના અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ આપવો તે અગે પણ નિર્ણય લઈ શકાયો નથી ઉપરાંત ધો. 10ના વિદ્યાર્થીઓને અપાતા એલસીમાં ઉપલા વર્ગમાં ચઢાવો લખવા કે નહીં તે અંગે પણ શાળાના આચાર્યો મુંઝવણ અનુભવી રહ્યા છે.
ધોરણ.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે તેમના શાળા છોડ્યા અંગેના એલસીના સર્ટીફિકેટમાં નોંધ એટલે કે રીમાર્ક શું મારવી? તે બાબતે અવઢવ સર્જાઈ છે. જેના સંદર્ભે રાજ્ય શૈક્ષણિક સંધ સંકલન સમિતિએ માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસે માર્ગદર્શન માંગ્યું છે. આ ઉપરાંત શૈક્ષણિક સંઘે ધો.10ના વિદ્યાર્થીઓના ગુણાંકન મુદ્દે કેટલાંક સૂચનો પણ કર્યા છે. ધો.10માં મુખ્ય પાંચ વિષયોના ગુણ મૂકી અન્ય ગૌણ વિષયમાં ગ્રેડ આપી શકાય તેમ જણાવી સંઘે ગૌણ વિષયોમાં ગ્રેડ શાળાઓ નક્કી કરે તેમ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ગત તા.13મીના ગુરુવારે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહારેત કર્યાના બીજા જ દિવસે આ વિદ્યાર્થીઓને ગુણાંકન કેવી રીતે કરવું? રીઝલ્ટ કેવી રીતે તૈયાર કરવું ? એ માટે બોર્ડના અધિકારીઓ, શિક્ષણશાસ્ત્રીઓનો સમાવેશ કરતી તજજ્ઞોની સમિતિ રચવાની જાહેરાત કરી હતી. તજજ્ઞોની આ સમિતિ ધો.10ના વિદ્યાર્થીઓને ગુણાંકન માટેની નીતિ તૈયાર કરશે. દસમાં ધોરણમાં માસ પ્રમોશનની જાહેરાતને કારણે પરીક્ષા ન યોજાતાં હવે શિક્ષણ બોર્ડ દસમા ધોરણના વિદ્યાર્થીઓને તેમણે ભરેલી એક્ઝામ ફી પણ પરત કરવી પડશે. 8.37 લાખ પરીક્ષાર્થીઓની એક્ઝામ ફી આશરે ત્રણ કરોડ રૂપિયા થાય છે.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ માધ્યમિક શિક્ષણ બોર્ડને ધો.10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાના મુદ્દે કેટલાંક સૂચનો કર્યા છે. સંઘે રાજ્યની શાળાઓમાં ધો.11માં પ્રવેશની સમસ્યા સર્જાશે તેવી દહેશત વ્યક્ત કરી તેના નિરાકરણ માટે ધો.11માં એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નિયત મર્યાદા લાગુ પાડવાને બદલે સંખ્યામાં છૂટછાટ આપવાની માંગ પણ કરી છે