Site icon Revoi.in

અમદાવાદમાં સતત વાદળછાયાં વાતાવરણને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

Social Share

અમદાવાદ:  શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાંયા વાતાવરણ અને વરસાદી માહોલને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ખાંસી સહિત વાઇરલ ઈન્ફેક્શનના દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.  જેમાં અમદાવાદ સોલા સિવિલમાં આ અઠવાડિયે 1,776 કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે તાવ, શરદી, ખાંસી સહિત વાઇરલ ઈન્ફેક્શનના દર્દીઓમાં વધારો થયો છે. ખાનગી તેમજ સરકારી દવાખાનાંમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં તાવ, શરદી, ખાંસી સહિત વાઇરલ ઈન્ફેક્શનના 1,776 કેસો નોંધાયા છે. જ્યારે ઓપીડી અને આઈપીડીના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ઓપીડીના 11,841 કેસ અને આઈપીડીના 1,104 કેસ નોંધાયા છે. બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના પણ 241 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે પૈકી 29 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે મેલેરિયાના લક્ષણોવાળા 163 દર્દીઓ નોંધાયા છે, જે પૈકી 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ સિવાય ચિકનગુનિયાના લક્ષણો ધરાવતા 24 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે 6 શંકાસ્પદ કેસ સ્વાઈન ફ્લૂના અને 2 શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નોંધાયા છે. આ સાથે ઝાડા-ઊલટીના 36 કેસ, વાઈરલ હિપેટાઈટિસના 9 કેસ, ટાઈફોઈડના 6 કેસ નોંધાયા છે. તેમજ ઘા પડ્યા પછી સતત રક્ત વહ્યા કરે તેવો રોગ એટલે હિમોફિલિયાના પણ 72 જેટલા કેસ નોંધાયા છે, જેમાં પુખ્ત વયની વ્યક્તિના 54 કેસ અને પીડિયાટ્રિકના 18 કેસ નોંધાયા છે.

તબીબોના કહેવા મુજબ  હાલ ચોમાસાની સીઝનના લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. ખાસ કરીને આ દિવસોમાં વ્યક્તિની પાચનશક્તિ નબળી પડી જવાને લીધે જુદી જુદી બીમારી થવાની શક્યતા વધી જાય છે. હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં વાઈરલ ઈન્ફેક્શન થવાના 1,776 કેસ નોંધાયા છે, જે ગત અઠવાડિયા કરતા વધુ છે. વધુમાં જો કોઈ વ્યક્તિને મેડિકલને લગતી કોઈ તકલીફ ઊભી થાય તો તેમણે નજીકના સારવાર કેન્દ્રમાં જઈને એકવાર મેડિકલ ટેસ્ટ અવશ્ય કરાવી લેવો જોઈએ. આનાથી કોઈ બીમારી કે, રોગ થયો હોય તો તેનું પ્રાથમિક નિદાન સારી રીતે કરી શકાય છે. આ સિવાય વ્યક્તિએ ચોમાસામાં વધતી બીમારીથી બચવા માટે તકેદારી રાખવી જોઈએ.