Site icon Revoi.in

PM મોદીની મુલાકાતને લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી તા.28મીથી પાંચ દિવસ મુલાકાતીઓ માટે બંધ રહેશે

Social Share

કેવડિયાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના સ્થળોનો પર્યટન સ્થળ તરીકે સારોએવો વિકાસ કરાયો છે. દેશ-વિદેશના અનેક લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. હવે નર્મદા ઘાટ પાસે ગંગામૈયાની જેમ નર્મદા મૈયાની આરતી પણ યોજાશે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં હાજર રહેવાના હોય ત્રણ દિવસ પ્રવાસન સ્થળ બંધ રહેશે. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. દર વર્ષની જેમ પ્રોટોકોલ મુજબ ઓનલાઇન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.30 ઓક્ટોબરે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે અને 30 ઓક્ટોબરના સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે અને કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ ને સલામી અપાશે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાશે. વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.

દર વર્ષે વડાપ્રધાન મોદીના કેવડિયામાં આગમન સમયે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો પ્રોટોકોલ પ્રમાણે બંધ કરી દેવામાં આવે છે. વડાપ્રધાન મોદીની આ વખતની મુલાકાત સમયે પણ કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રહેશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્ર દ્વારા 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી 5 દિવસ દરમિયાન કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત કરી છે. કેવડિયામાં સરદાર સરોવર ડેમ પાસે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની લોકપ્રિયતા વિશ્વનાં અન્ય પ્રવાસન સ્થળો કરતાં અનેક ગણી વધી રહી છે. અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ કરતાં પણ વધારે પ્રવાસીઓ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. ભારત સરકારના આંકડાઓ અનુસાર, ગત માર્ચ-2020માં (કોરોનાકાળ પહેલાં) સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15,036 થઈ ગઈ હતી, જેની સામે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને જોવા દરરોજ સરેરાશ 10,000 પ્રવાસી જતા હતા.