Site icon Revoi.in

સુરત શહેરમાં વરસાદને લીધે ખાડીએ ડેન્જર લેવલ પાર કરતા 10 સ્થળોએ થયો પાણીનો ભરાવો

Social Share

સુરતઃ  શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના લીધે ખાડી પુરનું સંકટ ઊભુ થયુ છે. શહેરમાંથી પસાર થતી ભેદવાડ અને સીમાડા ખાડી તેના ડેન્જર લેવલ પર જ વધી રહી છે. જેના કારણે શહેરના 10 જગ્યાએ પાણીનો ભરાવો થયો છે. હજુ વધારે વરસાદ પડશે તો સ્થિતિ વધુ વિકટ બનવાના એંધાણ છે.

સુરત શહેર અને  જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેના કારણે શહેરમાંથી પસાર થતી ખાડીની સપાટી સતત વધી રહી છે. શહેરમાંથી પસાર થતી સીમાડા ખાડી તેના ડેન્જર લેવલ 450 મીટર અને ભેદવાડ ખાડી તેના ડેન્જર લેવલ 7.20 મીટર પર વહી રહી છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. ખાડી છલોછલ છે એટલે શહેરમાં વરસાદ પડે છે તે પાણીનો નિકાલ થતો નથી તેથી આ પાણી હવે લોકોના ઘર અને રસ્તા પર વહી રહ્યાં છે. મ્યુનિના તંત્ર દ્વારા ભરાયેલા પાણીના વિકાલ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ખાડી છલોછલ ભરાયેલી હોવાથી પાણીનો નિકાલ થતો નથી.

શહેરની ભેદવાડ ખાડી અને સિમાડા ખાડી બન્ને ડેન્જર લેવલ પર વહી રહી છે અને તેની સાથે અન્ય ખાડી પણ છલોછલ વહી રહી છે. આ સાથે જિલ્લામાં પણ હજી વરસાદનું જોર જોવા મળે છે તેથી ખાડીના પાણી સાથે વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જિલ્લામાં વરસાદનું જોર આવું જ રહે તો સુરત શહેરમાં ફરી એક વાર ખાડી પુર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. ઉધના અને લિંબાયત ઝોનમાં કેટલાક વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે. જેના પર પાલિકા દ્વારા સતત નજર રાખવામાં આ‍વી રહી છે. જોકે, ખાડી કિનારે પાણી ભરાવાની શક્યતાના કારણે સ્થળાંતર માટે ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.