પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી બે કાંઠે વહેતી થતાં નદીકાંઠાના ગામોના લોકો નવા નીરને વધાવવા નદીકાંઠે પહોંચી ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે. અમીરગઢ, રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં બનાસ નદીના પાણીમાં વધારો થયો છે, જેને લઇ બનાસ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. અમીરગઢ મામલતદારે લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અપીલ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ફરીવાર બનાસ નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે. જેને લઈ અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. જેને લીધે ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. બનાસ નદીમાં પાણીની આવક થતાં દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થશે. જેથી કરી ખેડૂતોને આવનારી સીઝન ખેતી માટે આ પાણી ઘણું ઉપયોગી રહેશે. અમીરગઢ મામલતદારે જણાવ્યું હતું કે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. અમીરગઢ પી.એસ.આઇ તાલુકા વિકાસ અધિકારી અને નદી પટના ગામોના સરપંચોને સુચના આપવામાં આવી છે. નદીના પટમાં કે નદીના કિનારે કોઈ પણ લોકો અવર-જવર ન કરે તેવી અપીલ કરી હતી. દરમિયાન અમીરગઢ નજીક નદીના કિનારે આવેલા વિશ્વેશ્વરમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. પરંતુ મામલતદાર દ્વારા લોકોને નદીના પટમાં ન ઉતારવા આદેશ કરતા અમીરગઢ પોલીસે તેમને નદીના પટથી બહાર રાખ્યા હતા.
બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે વહેતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે. 11:00 સુધી 3315 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ઇકબાલગઢ નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિરે મોટા પ્રમાણમાં લોકો ઊમટતા હોય છે અને બનાસ નદીમાં સ્નાન કરતા હોઈ છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીના પાણીમાં વધારો થતાં અમીરગઢ મામલતદાર દ્વારા લોકોને પાણીમાં ન ઉતારવા વિશ્વેશ્વર ખાતે પોલીસ ખડકી દેવામાં આવી છે.