Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે ભાદર,આજી સહિત 19 જળાશયોમાં નવા નીર ઠલવાયા

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદને પગલે કૃષિની સાથોસાથ પીવાના પાણીની સમસ્યા પણ હળવી થઈ હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં આજી-1, ભાદર સહિત 19 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા સૌરાષ્ટ્રના 50 જિલ્લાના 19 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર ડેમની સપાટીમાં 0.49 ફૂટનો વધારો થયો છે. 34 ફૂટની સપાટી ધરાવતા ડેમમાં હવે કુલ 20.40 ફૂટ પાણી થયુ છે. આજ રીતે આજી 1 ડેમની સપાટીમાં 3.28 ફૂટનો વધારો થયો છે. અને તે 16.80 ફૂટે પહોંચી છે. સ્ત્રાવ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે નવા નીર ઠલવાતા ઘણા અંશે પીવાના પાણીમાં રાહત થવાનું સ્પષ્ટ છે. આજી-2ની સપાટી પણ 0.49 ફૂટ વધીને 28.50 ફૂટ પર પહોંચી હતી.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના અન્ય જળાશયો પૈકી મોજ ડેમની સપાટી 0.62 ફૂટ વધીને 36.50 ફૂટનો વધારો હતો અને કુલ સપાટી 7.70 ફૂટ થઈ છે. ઈશ્વરીયાની સપાટી 3.61 ફૂટ વધીને 4.90 ફૂટે પહોંચી છે. જયારે કર્ણુકી ડેમની સપાટી 1.31 ફૂટ વધીને 10.50 ફૂટ પર પહોંચી હતી. મોરબી જીલ્લામાં મચ્છુ-1 ની સપાટી 1.05 ફૂટ વધીને 19.90 ફૂટે પહોંચી હતી. ડેમી-1 ની સપાટી 0.39 ફૂટ વધીને 14.30 ફૂટ, ડેમી-2 ની સપાટી 0.66 ફૂટ વધીને 4.40 ફૂટ થઈ હતી. જામનગર જીલ્લામાં આજી-4 ની સપાટી 0.33 ફૂટ વધીને 7.30 ફૂટ તથા ફુલઝરની સપાટી 2.69 ફૂટ વધીને 21.90 ફૂટ થઈ હતી. દ્વારકા જિલ્લામાં વર્તુ-2 ની સપાટી 3.28 ફૂટ વધીને 5.50 ફૂટ, સોનમતીની સપાટી 0.59 ફૂટ વધીને 6.20 ફૂટ તથા કાબરકાની સપાટી 0.49 ફૂટ વધીને 13.90 ફૂટ થઈ હતી. સુરેન્દ્રનગર જીલ્લામાં વઢવાણ ભોગાવો-2 માં 0.79 ફૂટ નવા નીર ઠલવાતા કુલ સપાટી 17.40 ફૂટે પહોંચી હતી. લીબડી ભોગાવોની સપાટી 1.41 ફૂટ વધીને 4 ફૂટ થઈ હતી. મોરસલમાં 1.41 ફૂટ વધીને 4 ફૂટ થઈ હતી. મોરસલમાં એક જ દિવસમાં 9.88 ફૂટ હતી. મોરસલમાં એક જ દિવસમાં 9.88 ફૂટ નવુ પાણી ઠલવાયું હતું. ત્રીવેણી ઠાંગાની સપાટી 0.66 ફૂટ વધીને 8.20 ફૂટે પહોંચી હતી.