- રફ ડાયમંડનો સપ્લાય છેલ્લા 44 વર્ષમાં સૌથી ઓછો,
- રફ ટ્રેડિંગ કરતી ડી-બિયર્સે 2024માં બેવાર ઉત્પાદનમાં ઘટાડો કર્યો,
- હીરાના વેપારીઓ કહે છે, રફની અછત સર્જાતા તૈયાર માલની માગ વધશે
સુરતઃ હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. સુરત, નવસારી તેમજ સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા શહેરોમાં હીરાના કારખાના આવેલા છે, છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ ગ્રહણ લાગ્યું હોય તેમ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યુ છે. ત્યારે હવે રફ ડાયમંડનો સપ્લાય છેલ્લા 44 વર્ષમાં સૌથી ઓછો માત્ર 100 મિલિયન કેરેટ નોંધાયો હતો. આટલો ઓછો સપ્લાય છેલ્લે વર્ષ 1980માં નોંધાયો હતો. અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં મંદીની અસર સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે. સુરત શહેરમાં 8 હજારથી વધુ ડાયમંડ કટ એન્ડ પોલિશ યુનિટ છે, મંદીને કારણે દિવાળી વેકેશન પણ લંબાયું હતું. હીરાની વ્યાપક મંદીના માહોલમાં રફ હીરાનો સપ્લાય ઘટતા માર્કેટમાં રફ અને તૈયાર હીરાના ફુગાવામાં ઘટાડો થશે અને ધીમે ધીમે માર્કેટમાં મંદીમાંથી બહાર આવશે.
હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી મંદીની મોકાણ ચાલી રહી છે. ત્યારે હવે રફ હીરાની સપ્લાયમાં પણ ઘટાડો થયો તે ચિંતાનો વિષય છે. અમેરિકાન હીરા વિશ્લેષક પોલ ઝિમનિસ્કીએ એક અહેવાલમાં જણાવ્યું કે, વર્ષ 2024માં નેચરલ રફ ડાયમંડનું સપ્લાય વર્ષ 1980ના દાયકાની નીચી સપાટીએ છે. સૌથી વધુ રફ હીરાનું ઉત્પાદન કરતી ડી-બિયર્સના આંકડા મુજબ રફનું ઉત્પાદન 5.6 મિલિયન કેરેટ અને તેની સામે વેચાણ 2.1 મિલિયન કેરેટ જ 2020ના લોકડાઉનના સમયમાં રહ્યું હતું. 2024માં ડી-બિયર્સે વાર્ષિક ઉત્પાદનમાં બેવાર ઘટાડો કરવાની ફરજ પડી હતી. 2024માં 29થી 32 મિલિયન કેરેટ રફના ઉત્પાદનનો અંદાજ હતો તેના બદલે 26થી 29 મિલિયન કેરેટ ટાર્ગેટ રહ્યો હતો પરંતુ ત્યારબાદ આ આંકડો ઘટાડીને 23થી 26 મિલિયન કેરેટ કરાયો હતો. બીજી તરફ રશિયાની કંપની અલરોઝા કંપની પર અમેરિકા સહિતના દેશોના પ્રતિબંધ હોવા છતાં તેનું કામકાજ ચાલુ રહ્યું હતું. પરંતુ 2022ની તુલનામાં 2024માં ઉત્પાદન 8 ટકા ઓછું હતું. 2024ના અંત સુધીમાં રફનો સપ્લાય 100 મિલિયન કેરેટથી ઓછો રહેવાની શક્યતા છે જે 1980ના દાયકા બાદ સૌથી નીચલા સ્તરનો રહેશે.
સૂત્રોના કહેવા મુજબ રશિયામાં ડાયમંડ અનેક ડાયમંડની ખાણો છે, ભારતમાં આયાત થતી રફમાંથી 40 ટકાથી પણ વધારે રફ હીરા રશિયાથી આયાત થાય છે. પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ બાદ અમેરિકા સહિતના દેશો દ્વારા રશિયાની રફમાંથી બનતા હીરા પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેના કારણે પણ ડાયમંડ માર્કેટ પર અસર પડી હતી. આ ઉપરાંત આંતરાષ્ટ્રીય માર્કેટમાં મંદી હોવાને કારણે પણ હીરા અને જવેરાતની માંગમાં ઘટાડો થયો હતો. જોકે આ મંદીના માહોલ અંગે હીરા વેપારીઓના કહેવા પ્રમાણે છેલ્લાં 2 વર્ષથી સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં મંદીનું વાતાવરણ છવાયેલું છે. 1980 બાદ સૌથી ઓછો રફ સપ્લાય 2024માં થયો છે. જેના કારણે માર્કેટમાં રફ અને તૈયાર હીરાના ફુગાવામાં ઘટાડો થશે અને ધીમે ધીમે માર્કેટમાં મંદીમાંથી બહાર આવશે. (File photo)