અમદાવાદઃ ગુજરાતમાં ફાગણી પૂનમ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અને મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમજ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં લોકો રાતના સમયે પણ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન એપ્રિલમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે અમદાવાદના લોકો હીટસ્ટ્રોકનો ભાગ બને તો તેમના માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં અલાયદો હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. બપોરના ટાણે શહેરના રસ્તાઓ પર ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરના સમયે લોકો કામ વગર ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દિવસની સાથોસાથ રાત પણ લોકોને અકળાવી રહી છે. હાલમાં રાજ્યના ઘણા જિલ્લામાં 40.5 ડિગ્રીથી વધુ તાપનામ નોંધાઈ રહ્યું છે. રોજેરોજ વધતા તાપમાનને ધ્યાને લઈ તંત્ર પણ એલર્ટ બન્યું છે. લૂથી ઢળી પડતા લોકોને ઈમરજન્સીમાં સારવાર મળી રહે એ માટે 108 એમ્બ્યુલન્સોને એલર્ટ મોડ પર રખાઈ છે. ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપી સારવાર મળી રહે એ માટે ખાસ હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં આગામી તા. 8થી 15 એપ્રિલ દરમિયાન કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. હીટવેવના આ રાઉન્ડ દરમિયાન માણસોની સાથે પશુ-પક્ષીઓની પણ ખાસ કાળજી લેવા પડશે તેમ નિષ્ણાત જણાવી રહ્યા છે. જેથી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા લૂ લાગવાના તેમજ હીટ સ્ટ્રોકના કેસોની સારવાર માટે ટ્રોમા સેન્ટરના બે વિંગમાં અલગથી હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં એક વિંગમાં 5 અને બીજા વિંગમાં 6 એમ કુલ 11 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકનાં લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરી તાત્કાલિક સારવાર આપી બચાવવા અંગે જરૂરી સગવડ ઊભી કરવામાં આવી છે.
આ અંગે અમદાવાદના સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉનાળાની ગરમીમાં દર્દી અને દર્દીનાં સગાં કે સિવિલ કેમ્પસમાં આવેલી કોઈપણ વ્યક્તિને ઠંડું પાણી પિવડાવવા ઇ-રિક્ષા કેમ્પસમાં ફેરવવામાં આવે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં પાણી વગર ડિહાઇડ્રેશનને કારણે કોઈપણ વ્યક્તિને તકલીફ ન પડે એ હેતુથી ઓપીડી વિભાગોમાં દર્દીને પાણી પીવા માટે પાણીના કૂલર કે પરબ સુધી જવું ન પડે એ માટે દર્દીને તેની જગ્યાએ જ પાણીનાં જગ દ્વારા પાણી મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.