Site icon Revoi.in

સુરતની સિવિલ હોસ્પિટલમાં બેડની અછતથી દર્દીઓને ભોંય તળિયે સુવડાવાયા

Social Share

સુરતઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં પથારી (બેડ)ની અછત હોવાથી દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને સારવાર કરાવવાની ફરજ પડી રહી છે. હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં બેડની અછતના હોવાથી 8 માં માળે દર્દીઓને નીચે સુવડાવામાં આવ્યા હતા. જો કે આ મુદ્દે હોબાળો મચતા હોસ્પિટલના સત્તાધિશોએ વધારાના બેડની વ્યવસ્થા કરીને દર્દીઓને બેડ પર સુવાડ્યા હતા.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સરકારી હોસ્પિટલ એવી સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અનેક હાલાકી વેઠવી પડે છે. તેથી દર્દીઓના સગાઓ અને હોસ્પિટલના સ્ટાફ વચ્ચે ઘણીવાર માથાકૂટ પણ થતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં કીડની બિલ્ડિંગમાં  બેડની અછત સર્જાતા દર્દીઓને જમીન ઉપર સુવડાવવામાં આવ્યા હતા.કિડની બિલ્ડિંગમાં આવેલ TB વોર્ડમાં 9 જેટલા દર્દીઓને નીચે સુવડાવવામાં આવ્યા હતા. આ સુવિધા વચ્ચે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. પણ આ મુદ્દે હોબાળો મચતા સિવિલ હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું. જમીન પર સુવડાવીને સારવાર આપી રહેલા દર્દીઓને તાત્કાલિક બેડની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. વોર્ડની અંદર ગણતરીના જ સમયમાં નવા બેડ મૂકી દેવામાં આવ્યા હતા.જમીન પર સુવડાવીને સારવાર લઈ રહેલા દર્દીઓને બેડ પર સારવાર આપવામાં આવી હતી

સુરત શહેર અને જિલ્લામાં વરસાદ બાદ પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ ગઇ છે. બેડની અછત સર્જાતાં દર્દીઓને જમીન પર પથારીમાં સુવડાવીને સારવાર આપવા તંત્ર મજબૂર બન્યું છે. આ પહેલાં પણ સુરત સિવિલ હોસ્પિટલમાં વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓની સારવાર કરાઈ હોવાનું સામે આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં દર મહિને 60 હજારથી વધુ ઓપીડીના કેસો સામે આવી રહ્યા છે, જ્યારે મેડિકલ વિભાગમાં 500થી 600 ઓપીડી નોંધાતી હતી, એ હાલ 750થી 800 સુધી પહોંચી ગઈ છે. આ ઓપીડીમાં આવતા દર્દીઓમાંથી 100થી વધુ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી રહી છે. જ્યારે બાળકોની પણ 150થી 200 જેટલી ઓપીડી હોય છે, જેમાંથી 50 બાળકને દાખલ કરવાની ફરજ પડે છે. દર્દીઓમાં તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે.