સ્ટાર્ટઅપ ને લીધે આપણો યુવાન નોકરી માગતો નહીં પરંતુ નોકરી આપતો થયો: ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ વેજલપુર ખાતે દેશનો સૌપ્રથમ વિધાનસભા કક્ષાનો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાયો હતો જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ‘નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાઓનાં સપનાંને પ્લેટફોર્મ મળે તે હેતુથી ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા‘ની શરૂઆત કરાવી હતી. છેલ્લાં 10 વર્ષોમાં દેશમાં અનેક ક્ષેત્રે વિકાસ થયો હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાયેલા ‘મેક ઇન ઇન્ડિયા‘, ‘ડિજિટલ ઇન્ડિયા‘ના માધ્યમથી દરેક ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યાં છે.
ગુજરાતમાં સ્ટાર્ટઅપની સિદ્ધિ વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં સ્ટાર્ટઅપને કારણે 48,000થી વધુ નોકરીઓનું સર્જન થયું છે અને તે જ કારણોસર આજે યુવાનો નોકરી શોધતા નહીં પરંતુ નોકરી આપતા થયા છે. વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા વિશે તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં વેપાર ધંધા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થકી ગ્લોબલ પ્લેટફોર્મ ઊભું થયું છે.
આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકરે ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ‘ વિશે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ ઇન્શિયેટિવમાં વેજલપુર વિધાનસભાના યુવાનો પણ આજે સહભાગી થવા જઈ રહ્યા છે. યુવાનો પોતાના સક્રિય સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવે તેમજ નવા ઊભરતા સ્ટાર્ટઅપ માટે એક યોગ્ય પ્લેટફોર્મ મેળવે તેવા આશય સાથે આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજ કરાયું છે. સાથે સાથે યુવાઓને પોતાના સ્ટાર્ટઅપને સફળ બનાવવા માટે સરકારી તથા ખાનગી ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળી રહે અને રોજગારીની નવી તકોનું સર્જન કરી દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે તે હેતુથી ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ‘નું આયોજન કરાયું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
અમિત ઠાકરે વધુમાં કહ્યું હતું કે, અમૃતકાળના આવનારા 25 વર્ષ સ્ટાર્ટઅપના હશે. આજે G2Gનો મતલબ ‘ગુજરાત ટુ ગ્લોબલ‘ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પ્રમાણે દેશનો યુવાન ‘જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર‘ બનશે. આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં 4500થી વધુ યુવાનો દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ‘ માં ટેકનિકલ સેશન, સ્ટાર્ટઅપ પ્રદર્શન, વિવિધ મેન્ટર સાથે વાર્તાલાપ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.