ભૂજઃ કચ્છનો છેલ્લા એક દાયકાથી પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં ટૂરિઝમ વિભાગની કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જેવા કેમ્પેઈનથી વિદેશના પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસને લીધે સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહે છે. ખાસ કરીને દિવાળીથી માર્ચ સુધીના સમયગાળામાં જિલ્લાની સુંદરતા માણવા માટે લાખોની સંખ્યમાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે માત્ર નવેમ્બર મહિનામાં સાત લાખ પ્રવાસીઓએ કચ્છની સુંદરતા માણી અભિભૂત થયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દિવાળી વેકેશન અને તે બાદના સમયગાળામાં સહેલાણીઓ કચ્છમાં ફરવા માટે આવે છે તેમજ હવે તો ભૂકંપની સાક્ષી પૂરતા સ્મૃતિવન મેમોરીયલ પણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું હોવાથી અત્યારસુધીમા એક લાખ જેટલા સહેલાણીઓ આ સ્થળના સાક્ષી બનીને તસ્વીરરૂપી યાદો કંડારી ગયા છે. દિવાળી પછી નવેમ્બર મહિનામાં કચ્છમાં 7 લાખથી વધુ સહેલાણીઓ ફરવા માટે આવ્યા હતા. હાલમાં ધોરડો ખાતે સફેદ રણમાં પાણી સુકાઈ ગયા હોવાથી મુલાકાતીઓ વધી રહ્યા છે. જેમાં એકજ મહિનામાં 139 વિદેશી નાગરિક સહિત 31 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અને રણોત્સવનો આનંદ માણ્યો હતો.પ્રવાસન સીઝન થકી હાલમાં સ્થાનિકોને રોજગારી મળી રહી છે તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં પુષ્કળ આવક થઈ રહી છે. આગામી દિવસોમાં ફૂલ મૂન તેમજ નાતાલ પર્વને લીધે એડવાન્સ બુકિંગ થઈ ગયા છે અને હાલની સ્થિતિએ સંપૂર્ણ તંબુઓ તેમજ ભૂંગાઓ બૂક થઇ ગયા હોવાનું કહેવાય છે. ભુજોડી પાસે આવેલા હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક અને વંદે માતરમ મેમોરિયલ પ્રવાસન સ્થળ ખાતે આવતા મુલાકાતીઓ પાસેથી તગડો ચાર્જ વસૂલવામાં આવતો હોય છે આ બે સ્થળોએ એન્ટ્રી ફીની સાથે ફોટો પડાવવા માટે પણ અલગથી ચાર્જ લેવામાં આવે છે. તગડો ચાર્જ વસૂલાતા પ્રવાસન સ્થળો પાસેથી ગુજરાત પ્રવાસન વિભાગે નવેમ્બરમાં કેટલા પ્રવાસીઓ આવ્યા તેની વિગતો માંગી હતી પણ નિયમની ઉપરવટ જઈ ફોન,પત્ર કે ઈમેલ દ્વારા પ્રવાસીઓની સંખ્યાની માહિતી આપવાની ધરાર ના પાડી દેવામાં આવી હતી.આ સ્થળ ખાનગી હોવાનું જણાવી માલિકો તરફથી માહિતી દેવાની ના કહી દેવાઈ હતી.જે બાબત ઘણી સૂચક છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, હાલમાં ધોરડો ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ રહ્યા છે પણ હવે વધુ નવા આયોજનો માટે ડોમ ઉભા કરવામાં આવી રહ્યા છે.ટૂંક સમયમાં દર વર્ષની જેમ પ્રવાસીઓ માટે વિનામૂલ્યે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યા છે. હાલમાં ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલમાં પ્રવાસીઓ આવી રહ્યા છે. એડવેંચર અને ગેમિંગ એક્ટિવિટી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં ધોરડો ખાતે 23 હજાર પ્રવાસીઓ આવ્યા હતા,જેની સામે ચાલુ વર્ષે 31 હજાર મુલાકાતીઓ રણની ચાંદની માણી છે. જોકે ચાલુ વર્ષે દિવાળી પછીના સમયગાળામાં રણોત્સવ શરૂ કરી દેવાયો પણ પાણી ભરેલા હોવાથી અનેક પ્રવાસીઓ નિરાશ થયા હતા તો વોચ ટાવર પણ મરામતના નામે બંધ કરી દેવાયો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છની મુલાકાતે બસ અને ટ્રેનની સાથે હવાઈ માર્ગે પણ મુસાફરો આવી રહ્યા છે તેમજ ભુજ-મુંબઈ અને અમદાવાદની ફલાઇટ રેગ્યુલર થઈ જતા દરરોજ ફલાઇટ હાઉસફૂલ હોય છે.ધસારો વધી જતાં સહેલાણીઓને કચ્છનાં પ્રવાસન સ્થળોની નિઃશુલ્ક માહિતી પૂરી પાડવા માટે ભુજ એરપોર્ટ ખાતે ટુરિસ્ટ રિસેપ્સન કાઉન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના પ્રવાસી માહિતી કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે પ્રવાસી સાહિત્ય ઉપલબ્ધ કરાવાઈ રહ્યું છે.