Site icon Revoi.in

ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે ફેરી સર્વિસ બંધ હોવાથી તહેવારોમાં પ્રવાસીઓને પડતી મુશ્કેલી

Social Share

ભાવનગરઃ જિલ્લાના ઘોઘાથી હજીરા સુધી ફેરી સેવા શરૂ કરવામાં આવી આવી હતી. આ સેવાને શરૂઆતથી જ સારોએવો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ સેવાને શરૂઆતથી ગ્રહણ નડ્યુ હોય તેમ આ સેવા ક્યારે શરૂ ક્યારે બંધ હોય તેની પ્રવાસીઓને ખબર પડતી નહોતી. ઘોઘા-હજીરા વચ્ચેની ફેરી સર્વિસ પ્રવાસીઓ માટે આશિર્વાદરૂપ બની હતી. સુરતમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લાના ઘણાબધા લોકોએ રોજગાર-ધંધાને લીધે કાયમી વસવાટ કર્યો છે. અને અવાર-નવાર પોતાના વતનમાં આવવવા માટે ફેરી સેવાનો લાભ લેતા હતા. પરંતુ ઘણા સમયથી ફેરી સેવા બંધ પડી છે. કહેવાય છે. કે, રો-પેક્સ ફેરી સર્વિસના ઓપરેટર અને સરકાર વચ્ચેના ગજગ્રાહને કારણે બંધ પડી છે. સાતમ-આઠમના તહેવારોની સીઝનમાં જ સામાન્ય જનતાને પરિવહનમાં ભારે અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત અને સૌરાષ્ટ્રના શહેરો-ગ્રામ્ય વિસ્તારો વચ્ચે વ્યાવસાયિક અને સામાજીક રીતે સાપેક્ષ સંબંધ છે. સડક અને રેલમાર્ગનું અંતર સૌરાષ્ટ્ર અને દ.ગુજરાત વચ્ચેનું ખૂબ વધુ છે. વડાપ્રધાને પોતાના પાયલોટ પ્રોજેક્ટ રૂપે ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ કાર્યાન્વિત કરાવી હતી. આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચાલી પણ રહ્યો હતો. પરંતુ તાજેતરના મહિનાઓમાં ઇંધણના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે ફેરી ઓપરેટરોને શિપ ચલાવવાનું પોસાણ થઇ રહ્યું નથી, અને સામાન્ય જનતા પર ટિકિટના ભાવ વધારાનો બોજ નાંખવા ઇચ્છતા નથી.એક તરફ ફેરી ઓપરેટરોની દલીલ એવી છે કે, સરકાર દ્વારા જળ પરિવહનને ઇકો-પરિવહન ગણવામાં આવે છે, અને દેશમાં તેનો વ્યાપ વધે તેના માટે સરકાર પ્રયત્નશીલ છે. સરકાર દ્વારા ઉડાન હવાઇ સેવા, રેલવે, એસ.ટી. બસ સહિતના પરિવહન માધ્યમોને સબસીડાઇઝડ ઇંધણ આપવામાં આવે છે, અને તેનો મહત્તમ ઉપયોગ દેશની સામાન્ય જનતા કરી રહી છે. ફેરી સેવાના જહાજને સબસીડીયુક્ત ઇંધણ આપવાની માંગણી સરકાર સ્વીકારી રહી નથી, અને ફેરી બંધ કરી દેવામાં આવી છે.ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ સામાન્ય જનતા માટે આશિર્વાદ સમાન છે. માત્ર 4 કલાકમાં સુરતથી ઘોઘા પોતાના વાહન સાથે પહોંચી શકાય છે. રક્ષાબંધનથી શરૂ થતા તહેવારોની સીઝન છેક દેવદિવાળી સુધી ચાલે છે, અને સુરત-સૌરાષ્ટ્રના લોકોની આવન-જાવન રો-પેક્સ ફેરીના માધ્યમથી વધુ રહે છે. પરંતુ ઓણસાલ એકાએક ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવતા સામાન્ય મુસાફરોને ફરજીયાત રોડ-રેલ પરિવહનનો ઉપયોગ કરવો પડે છે.