1. Home
  2. ગુજરાતી
  3. સાપુતારામાં કોરોનાને પગલે પ્રવાસીઓ ઘટતા વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયાં
સાપુતારામાં કોરોનાને પગલે પ્રવાસીઓ ઘટતા વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયાં

સાપુતારામાં કોરોનાને પગલે પ્રવાસીઓ ઘટતા વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયાં

0
Social Share

ડાંગઃ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા તેના લીધે પ્રવાસ શોખિનોએ પર્યટન સ્થળોએ ફરવા જવાનું માંડી વાળ્યુ છે. પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં હાલનાં તબક્કે સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા એક વર્ષથી ખોટ ભોગવતા નાના-મોટા વેપારીઓ હવે કોરોનાની બીજી લહેરમાં વેપાર ધંધા બંધ કરવાની તૈયારી સાથે લાચાર બની ગયા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર માનવ જીવન માટે ખુબજ ઘાતક સાબિત થઈ રહી છે. જેને જોતા ફરી એકવાર સ્વૈચ્છીક લોકડાઉન કરવાની ફરજ પડી છે.

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં દિવસે પણ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રવાસન હબ તરીકે પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે દિવસ રાત પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે.પરંતુ કોરોનાની બીજી લહેરમાં મહારાષ્ટ્રને અડીને આવેલા આ બોર્ડરવાળા પ્રવાસન સ્થળે છેલ્લા કેટલાક દિવસથી કાગડા ઉડી રહ્યા છે. ગિરિમથક સાપુતારાનાં બોટિંગ,પેરાગ્લાયડિંગ અને અન્ય સ્થળો બંજરભૂમિ જેવા લાગી રહ્યા છે. સર્પગંગા તળાવમાં ઉભેલી નાવડીઓમાં કરોળિયાના જાળા લાગવા માંડ્યા છે. આ સાથે ચા-નાસ્તાની લારી ચલાવી રોજગારી મેળવતા લોકોનો દિવસ ગ્રાહકોની રાહ જોવામાં પૂરો થાય છે. જ્યાં પાર્કિંગ માટે જગ્યા મળતી ન હોય તેવા પાર્કિંગ સ્થળો રમતનાં મેદાન જેવા લાગે છે. લોકોની હસીમજાક વચ્ચે ગુંજતા હોટલોના ડાઇનિંગ હોલમાં પિન-ડ્રોપ સાઈલન્સ જોવા મળે છે.

અગાઉ થોડાક સમય માટે સાપુતારા ખાતે નાના-મોટા ધંધાર્થીઓની ગાડી ધીમે ધીમે પાટા પર ચડી હતી. પરંતુ હાલમાં કોરોનાની બીજી લહેરમાં નાની-મોટી હોટેલોનાં માલિકો માટે હોટેલ ઉદ્યોગમાં કેવી રીતે ટકી રહેવુ એની ચિંતાજનક સ્થિતિ ઉભી થવા પામી છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારાને વિકસાવવા કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ પોઇન્ટસ બનાવ્યા છે. અહિંયા પ્રવાસીઓ આવે એના માટે અગાઉ અનેક ઉત્સવોનું આયોજન કરાતા લોકોને રોજીરોટી પણ મળી છે. હાલ કોરોના કાળનાં કારણે પ્રવાસીઓથી ઉભરાતા સાપુતારામાં પ્રવાસી વિના ધંધા રોજગાર ઠપ્પ થઈ જતા સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code