અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. લોકોમાં પણ કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના રિવર ફ્રન્ટ, કાંકરિયા લેક અને ઝૂ, વગેરે હરવા-ફરવાના સ્થળોએ લોકો છા જોવા મળી રહ્યા છે. શહેરના કાંકરિયા લેક્ફ્રન્ટ અને ઝૂ ખાતે દિવાળી પછી વીકએન્ડમાં 60 હજાર મુલાકાતીઓ આવતા હતા પણ હવે ત્રીજી લહેર અને આરટીપીસીઆર ટેસ્ટને લઈને મુલાકાતીઓની સંખ્યા 70 ટકા જેટલી ડાઉન થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર વધ્યું છે ત્યારે કાંકરિયામાં વાઘ, સિંહ અને સાપના પાંજરા આગળ હિટર લગાવવામાં આવ્યા છે. તેમજ ઘાસની પથારી કરાઈ છે પણ મુલાકાતીઓને અભાવે પ્રાણીઓ પણ શાંત થઈને આરામ ફરમાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કાંકરિયા લેક ખાતે સાંજના સમયે તો મેળા જેવો માહોલ જોવા મળતો હતો. હવે માત્ર ગણ્યાંગાંઠ્યા જ લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે લેકની બાજુમાં આવેલા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પણ મુલાકાતીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અંગે ઝૂના સુપરિન્ટેન્ડન્ટના જણાવ્યા મુજબ 5 અને 6 નવેમ્બરના 53 હજાર અને 63 હજાર મુલાકાતીઓએ લેકફ્રન્ટની મુલાકાત લીધી હતી. ત્યાર પછી કોરોનાની ત્રીજી લહેરના કારણે હવે વીકએન્ડમાં માંડ 11 હજાર મુલાકાતીઓ આવે છે. તેના 50 ટકા મુલાકાતીઓ ઝૂની મુલાકાત લેતા હોય છે. જોકે, ત્રીજી લહેર અને તેમાં પણ આરટીપીસીઆર ટેસ્ટને કારણે મુલાકાતીઓનું પ્રમાણ 70 ટકા જેટલું ઓછું થયું છે. જોકે, અમારું છેલ્લા દોઢ વર્ષનું ઓબ્ઝર્વેશન છે કે કોરોનાની લહેર ધીમી પડતા જ મુલાકાતીઓની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે.