Site icon Revoi.in

ગુજરાતમાં જન્માષ્ટમીના પર્વના લીધે BPL અને અંત્યાદય કાર્ડધારકોને ખાંડ-તેલનું વિતરણ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને જન્માષ્ટમીના પર્વને લીધે રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવામાં આવશે. ગરીબ પરિવારો જન્માષ્ટમીનો તહેવાર સારી રીતે ઊજવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા જણાવ્યું હતું કે,  રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે N.F.S.A.-2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ-સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લિટર પાઉચ રૂ.100 પ્રતિ લિટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિ.ગ્રા.ખાંડ એટલે કે બી.પી.એલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. રૂ.22 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા.રૂ.15ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મંત્રીએ કહ્યું હતું કે, અન્ન,નાગરિક પુરવઠા વિભાગ દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013(N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ 74 લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની 3.60 કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ઓગસ્ટ-2024માં ઘઉં, ચોખા અને “શ્રી અન્ન”-બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની 17,000 થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે.

આ અંગે અન્ન,નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યના 8 લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. એ જ રીતે રાજ્યના 66 લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો”ની (પ્રાયોરિટી હાઉસ હોલ્ડ- P.H.H.) 3.23 કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ 5 કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 25 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

રાજ્ય સરકારની યોજના હેઠળ અને N.F.S.A.-2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડદીઠ 1 કિ.ગ્રા ચણા. રૂ.30 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.50 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ રાજ્ય સરકારની યોજના હેઠળ N.F.S.A.-2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. રૂ.1 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.