Site icon Revoi.in

ગુજરાતમાં ગરમીના લીધે શાળાઓમાં વેકેશન લંબાવવા શાળા સંચાલકોની CMને રજુઆત

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. અને 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજી બાજુ જુનના બીજા-ત્રીજા સપ્તાહમાં 41થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. ત્યારે શાળાઓને ઉનાળું વેકેશનમાં એક સપ્તાહનો વધારો કરવા શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે રાજ્યમાં શાળાઓનું વેકેશન 13 જૂનને બદલે 20 જૂન સુધી લબાવવાની માગણી કરી છે. આ અંગે મંડળે રાજ્યના મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજુઆત કરી છે. કે, ગુજરાતમાં ગરમીનું મોજુ જુનના બીજા ત્રીજા સપ્તાહ સુધી યથાવત રહેવાની શક્યતા છે. અસહ્ય ગરમીને લીધે બાળકોના આરોગ્ય પર અસર પડી શકે છે. આથી ઉનાળા વેકેશનમાં એક સપ્તાહનો વધારો કરવો જોઈએ. શૈક્ષણિક કેલેન્ડરને અસર ન થાય તે માટે ઉનાળાના વેકેશનમાં એક સપ્તાહનો વધારો કરીને દિવાળીના વેકેશનમાં એક સપ્તાહનો ઘટાડો કરવામાં આવે તો શિક્ષણ કાર્યના દિવસો પણ જળવાય રહેશે.

શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, આગામી બે સપ્તાહ સુધીમાં 40થી 42 ડિગ્રી તાપમાન રહેશે. પાડોશી રાજ્ય રાજસ્થાનની હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને હીટવેવને કુદરતી આફત જાહેર કરવા માટે વિનંતી કરી છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા 25 કર્મચારીઓનું અવસાન થયું છે. ગુજરાતના ઘણા જિલ્લામાં પીવાના પાણીની તકલીફ ઊભી થઈ છે. ગુજરાતના ડેમ અને જળાશયોમાં પાણી ઓછું છે. ચૂંટણીના કારણે આચારસંહિતાના લીધે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની અરજી નિર્ણય લીધા સિવાય પડતર પડી છે, જેથી વેકેશન 20 જૂન સુધી લંબાવવું જોઈએ. બીજી તરફ વાલી અધિકાર ગ્રૂપના પ્રમુખ જ્યોર્જ ડાયસે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને ઇમેઇલના માધ્યમથી વેકેશન લંબાવવા માગ કરી છે.