અમદાવાદઃ પટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવ વધારાના કારણે તમામ ચીજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થતાં લોકોની હાલત કફોડી બની ગઈ છે. જેમાં સૌથી વધુ માઠી અસર ખેડૂતો પર વર્તાઈ છે. મોટાભાગના ખેડૂતો ખેતીમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોવાથી મોંઘા ભાવના ડીઝલથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. ત્યારે ખેતીમાં ડીઝલના ઉપયોગ પર સબસિડી આપવા ખેડૂતો માંગ કરી રહ્યાં છે.
પેટ્રોલ- ડીઝલના સતત વધતા ભાવથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. રોજ સવાર પડતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય જાય છે. વધતા ભાવથી સૌ કોઈ પરેશાન છે. જેમાંથી ખેડૂતો પણ બાકાત નથી. ટ્રેક્ટરથી ખેતી ફરજિયાત બની ગઈ છે. દરેક ખેડૂતોએ ખેતીમાં ટ્રેક્ટરનો સહારો લેવો જ પડે છે. જેથી ડીઝલના ભડકે બળતા ભાવથી ખેડૂતોને માર પડ્યો છે.
કિસાન સંગઠનોના કહેવા મુજબ ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નથી મળતાં. 5 વર્ષ પહેલા કપાસનો જે ભાવ હતો એજ ભાવ આજે છે. બીજી તરફ ખાતર- બિયારણ અને દવાના ભાવ ડબલ થઈ ગયા છે. તેમાં પણ હવે ડીઝલના વધતા ભાવથી ખેડૂતોને ડબલ માર પડ્યો છે.
જો આમ જ ભાવ વધશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. જો ખેતી કે ખેડૂતોને બચાવવા હશે તો તેની પીડા પણ સરકારે સમજવી જોઈએ. ઉદ્યોગપતિઓને પણ પેટ્રોલ- ડીઝલ મોંઘું લાગતું હોય તો ખેડૂતોની શું સ્થિતિ હશે? ખેડૂતોને ડીઝલમાં સબસિડી આપવી જોઈએ, નહીં તો ખેડૂતોને ઉત્પાદન કરતાં ખર્ચ વધી જશે.