પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં નગરપાલિકાના સત્તાધિશોની નિષ્ક્રિયતાને લીધે રખડતા ઢોરનો તો ત્રાસ દુર કરી શકાયો નથી ક્યાં બીજી બાજુ શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર ગંદકીના ઢગલાં જોવા મળી રહ્યા છે. શહેરના રોડ-રસ્તાની સફાઈ માટે વર્ષે દહાડે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં રસ્તાઓ ગંદકીથી ખદબળતા જોવા મળી રહ્યા છે.
પાલનપુર શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગો પર ગંદકીના ઢગલા ખડકાયેલા હોવાથી લોકોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. નગરપાલીકા દ્વારા દિવાળી પૂર્વે શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. શહેરના નાગરિકા દ્વારા નગરપાલિકાના સત્તાધિશોને અવાર-નવાર રજુઆતો કરવા છતાં કોઈ દરકાર લેવામાં આવતા નથી. શહેરના માર્ગો પર રખડતા ઢોર બાદ હવે ગંદકીનો પ્રશ્ન નાગરિકોને સતાવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાલનપુર નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. પણ તેની સામે શહેરમાં સ્વચ્છતા હોવી જોઈએ તેવી થતી નથી. શહેરમાં ડોર ટું ડોર ઘન કચરાના નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપવા આવેલો છે પણ આ એજન્સી દ્વારા રસ્તાઓની સફાઈ કરવામાં લાપરવાહી દાખવવામાં આવી રહી છે. અને કેટલાક વિસ્તારોમાં ઘન કચરો લેવા વાહન આવતા જ ન હોઈ લોકો પોતાનો કચરો જાહેર માર્ગો પર ફેકતા હોવાથી શહેરના વિવિધ માર્ગો પર ગંદકીના મોટા ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. પાલિકા દ્વારા દિવાળી અને નૂતન વર્ષ નિમિતે શહેરના રસ્તાઓને સાફ સફાઈ કરાવે તેવી લોક માંગ ઉઠી છે .