ભાવનગરમાં રાજકીય નેતાગીરીની નિષ્ક્રિયતાને લીધે લાંબા અંતરની ટ્રેનોનો લાભ ન મળતો નથી
ભાવનગરઃ રાજ્યમાં અન્ય મહાનગરોની તુલનાએ ભાવનગરનો વિકાસ થયો નથી. જેમાં ભાવનગર શહેર અને જિલ્લાની નેતાગીરી જવાબદાર છે. ભાવનગરને રેલવે દ્વારા પણ અન્યાય થઈ રહ્યો છે. લાંબા રૂટ્સની ટ્રેનો નથી, બોટાદ અમદાવાદ વચ્ચે બ્રોડગેજનું રૂપાંતર થયા બાદ આ રૂટ્સ પર ભાવનગર-અમદાવાદની સીધી ટ્રેન શરૂ કરવામાં આવી નથી. ભાવનગરથી અમદાવાદ જતા ટ્રેનો વાયા સુરેન્દ્રનગરથી દોડતી હોવાથી વધુ સમય લે છે. ભાવનગર-અમદાવાદ વચ્ચે વાયા બોટાદ-ઘંઘુકા થઈને ટ્રેન દોડાવવામાં આવે તો સમય પણ ઓછો લાગે અને પુરતા પ્રવાસીઓ પણ મળી રહે તેમ છે. પરંતુ રાજકીય નેતાગીરી ભાવનગરની પ્રજાના હિત માટે કોઈ રજુઆતો કરતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર વર્ષોથી લાંબા અંતરની ટ્રેનો ઝંખી રહ્યું છે, અને કેન્દ્રીય બજેટ ઢુંકડુ છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ એક બની ભાવનગરની રેલ સુવિધાઓ વધે તેના માટેના સમયસરના અને પ્રમાણિક પ્રયાસોની આવશ્યક્તા છે.જ્યારે અમદાવાદમાં જે ટ્રેનો ફાજલ પડી રહે છે, તેવી ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવા માટેની આવશ્યક્તા છે. જેનો સીધો લાભ મુસાફરોને મળી શકે તેમ છે, અને રેલવે તંત્રને ફાજલ પડી રહેતી રેકથી આર્થિક ફાયદો ઉપાર્જીત થઇ શકે તેમ છે. ભાવનગરના તમામ રાજકીય પક્ષના લોકોએ જનતાની સુખાકારી કાજે કેન્દ્રીય બજેટમાં ભાવનગરને ટ્રેનો મળે તેના માટેના પ્રમાણિક પ્રયાસો કરવાની તાતી જરૂરીયાત છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે. બોટાદ-અમદાવાદ વચ્ચેનું ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ થઇ ગયા બાદ અમદાવાદથી સીધી ટ્રેનો ભાવનગર લાવી શકાય છે, અને અગાઉના અંતર અને સમયમાં ફાયદો થઇ ચૂક્યો છે. હરિદ્વારની ટ્રેન ભાવનગર સુધી લંબાવવા માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઇ હકરાત્મક અભિગમ રેલવે તરફથી મળ્યો નથી. અમદાવાદમાં ફાજલ પડી રહેતી ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવામાં આવે તો ભાવનગરના મુસાફરોને દેશના વિવિધ રાજ્યો માટે ટ્રેનોની સુવિધા તો મળી રહે, ઉપરાંત દિવસ દરમિયાન અમદાવાદ સુધી જવા-આવવા માટેની પણ વધારાની સગવડતાઓ પ્રાપ્ત થઇ શકે તેમ છે. ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને મુસાફરોમાંથી સારો આવકાર મળી રહ્યો છે, જો લાંબા અંતરની ટ્રેનો ભાવનગરમાં લંબાવવામાં આવે તો અમદાવાદ માટે પણ સુવિધા વધી શકે તેમ છે. હાલ બજેટની પ્રક્રિયાઓ શરૂ છે ત્યારે સમયસર રાજકીય પક્ષોએ ભાવનગર માટે લાંબા અંતરની ટ્રેનો માટે પ્રયાસો આદરવા જરૂરી છે.