અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે.આ ચૂંટણીમાં કોલેજો અને યુનિવર્સિટીઓના અધ્યાપકોને પણ કામગીરી સોંપવામાં આવી છે. બીજીબાજુ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં તા.1 મેથી 15મી જુન સુધી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેથી અધ્યાપકોને વેકેશનનો પુરતો લાભ મળી શકશે નહીં એટલે ઉનાળુ વેકેશન તા.9 મેથી 26 જૂન સુધી કરવા અધ્યાપક મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે.
ગુજરાત રાજ્ય અધ્યાપક મહા મંડળના જણાવ્યા મુજબ ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એકેડેમિક કેલેન્ડર અનુસાર વેકેશન જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં તા.1 મેથી 15 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ વેકેશનના સમયગાળા દરમિયાન લોકસભાની ચૂંટણી યોજવાની હોય અને ગુજરાતમાં તા.7 મેએ મતદાન થવાનું છે ત્યારે રાજ્યના મોટાભાગના અધ્યાપકોને આ ચૂંટણીની કામગીરીના આદેશ મળ્યા હોય મતદાનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી મોટાભાગના અધ્યાપકો ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા રહેશે. આ સંજોગોમાં ઉનાળુ વેકેશનના સમયગાળામાં ફેરફાર કરવા અને શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં ઉનાળુ વેકેશન 9 મેથી 26 જૂન સુધી કરવા ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
મંડળના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકોને વેકેશન તેમજ વર્ષની 12 સીએલ સિવાય અન્ય કોઈ રજાના લાભ મળતા નથી. જ્યારે રાજ્યના અન્ય કર્મચારીઓને 12 સીએલ ઉપરાંત દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા તેમજ વર્ષમાં 30 ઇએલ રજાનો લાભ મળે છે. અધ્યાપકોને માત્ર વેકેશનમાં જ રજાઓ મળતી હોવાથી તે સમય દરમિયાન સામાજિક અને કૌટુંબિક કાર્યો કરી શકતા હોય છે. ત્યારે આ વર્ષે લોકસભાની ચૂંટણી હોય તેની કામગીરીમાં પ્રોફેસરોને કામગીરીના આદેશ કરવામાં આવ્યા છે. તેથી પોતાના સામાજિક કાર્ય કરી શકે તે માટે વેકેશનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવે તે માટે કાર્યવાહી કરવા અનુરોધ કરાયો છે. તાજેતરમાં ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા પણ તા.9 મેથી 26 જૂન સુધીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કોલેજોમાં ઉનાળુ વેકેશન 9 મેથી 26 જૂન સુધી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.