અમદાવાદઃ રાજ્યમાં વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેની અસર ખેતરોમાં ઉભા પાકમાં જોવા મળી રહી છે. ખેડૂતોને કમોસમી વરસાદથી વ્યાક નુકશાન થયું છે. કમોસમી વરસાદને પગલે શાકભાજીના ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. બીજી તરફ શાકભાજીના ભાવ પણ ફડ્યાં છે. એક મહિનાના સમયગાળામાં શાકભાજીના ભાવમાં લગભગ 10થી 50 ટકા સુધીનો ઘટાડો થવાનું જાણવા મળે છે. શાકભાજીના ભાવમાં થયેલા ઘટાડાને પગલે ગૃહિણીઓમાં ખુશી ફેલાઈ છે. જો કે, આગામી દિવસોમાં શાકભાજીની આવક ઘટશે તો ભાવમાં વધારો થવાની શકયતા છે.
એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ફ્લાવરનો ભાવ 460થી 500, ટામેટાનો ભાવ રૂ. 200થી 260, લીંબુનો ભાવ રૂ. 1600થી 1800, મરચાનો ભાવ 600થી 650, ગવારનો ભાવ 1100થી 1300, ચોળીનો ભાવ રૂ. 550થી 600, કારેલાનો ભાવ રૂ. 500થી 600, ભીંડાનો ભાવ 700થી 800, પાપડીનો ભાવ 900થી 1000, ગિલોડાનો ભાવ 500થી 600 અને સરગવાનો ભાવ રૂ. 400થી 460 હતો. જ્યારે મહિનાના પ્રથમ સપ્તાહમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ફ્લાવરનો ભાવ રૂ. 340થી 380, ટામેટાનો ભાવ રૂ. 100થી 160, લીંબુનો ભાવ 800થી 1000, મરચાનો ભાવ 560થી 600, ગવારનો ભાવ 800થી 850, ચોળીનો ભાવ રૂ. 400થી 500, કારેલાનો ભાવ 450થી 500, ભીંડાનો ભાવ 500થી 600, પાપડીનો ભાવ રૂ. 700થી 800, ગિલોડાનો ભાવ 400થી 500 તથા સરગવાનો ભાવ 300થી 320 ઉપર પહોંચ્યો છે. જો કે આગામી દિવસોમાં શાકભાજીની આવક ઘટશે અને ભાવ વધશે એવી શક્યતા છે.