સુરતઃ શહેરમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. જેમાં રત્નકલાકારોના અનેક પ્રશ્નો છે. અને તેમની પડતર માંગણીઓને લઈને ડાયમંડ વર્કર યુનિયને વિરોધ નોધાવ્યો હતો. અને કતારગામ દરવાજા ખાતેથી રેલીનું આયોજન કરાયું હતું. જો કે રેલી શરૂ થાય તે પહેલા જ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ અને રત્ન કલાકારોની પોલીસે અટકાયત કરી હતી.
સુરત શહેર હીરા ઉદ્યોગનું હબ ગણાય છે. કારણ કે દેશભરમાં જે હીરા તૈયાર થાય છે, જેમાં 100 હીરામાંથી 90 હીરા સુરત શહેરમાં તૈયાર થાય છે. હીરાને ચમકાવવામાં મહત્વનો ફાળો રત્ન કલાકારોની મહેનત છે હીરા ઘસવાના વ્યવસાયમાં લાખોની સંખ્યામાં રત્ન કલાકારો જોડાયેલા છે. ઘણા વર્ષોથી રત્ના કલાકારોની નાની મોટી માંગણીઓ ઉકેલવા સરકાર સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી. છતાં પણ સરકાર દ્વારા રત્ન કલાકારો માટે પોલીસી અથવા તો કોઈ યોજના ઊભી કરવામાં નથી આવી. જેથી વર્ષોથી રત્ન કલાકારો પીડાતા આવ્યા છે કારણ કે રત્ન કલાકારોનું કેટલીક જગ્યાએ શોષણ પણ થતું હોય તેવા કિસ્સા બનતા હોય છે. આથી સુરતમાં રત્નકલાકાર યુનિયન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પણ તે પહેલા યુનિયનના હોદ્દેદારો અને રત્નકલાકારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકાર પાસેથી લેવાતો વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગ કરી હતી. તે સિવાય દિવાળીમાં કારીગરોને બોનસ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ઉપરાંત અકસ્માત કે આપઘાતમાં રત્નકલાકારના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે સહિતની વિવિધ માંગને લઈ ડાયમંડ વર્કર યુનિયન મેદાને આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે રત્ન કલાકારોના પ્રશ્નો ઉકેલવાની માગ ઊઠી છે. સુરતમાં સરકાર દ્વારા અનેક આવાસ યોજના બનાવવામાં આવી રહી છે. જેમાં રત્નકલાકોરોને લાભ આપવાની પણ માગ ઊઠી છે.