Site icon Revoi.in

ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં મોદી અને એન્થોનિઝની ઉપસ્થિતિને લીધે BJP કાર્યકર્તાને પ્રવેશ અપાશે !

Social Share

અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ  આગામી તા. 9 માર્ચે અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સીરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોનીઝ પણ હાજર રહેશે. જેથી  નરેન્દ્ર મોદીના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓથી સ્ટેડિયમ ખીચોખીચ ભરવામાં આવશે. સૌપ્રથમવાર ટેસ્ટ મેચ દરમિયાન 1.10 લાખ દર્શકોની કેપેસિટી ધરાવતું સ્ટેડિયમ આખું ભરાશે. બંને દેશોના વડાપ્રધાન મેચ જોવા આવવાના હોવાથી ભાજપ શહેર સંગઠન દ્વારા તમામ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના મોટેરા સ્ટેડિયમની ટિકિટો ભાજપ સંગઠન દ્વારા તેમના તમામ કાર્યકર્તાઓને આપવામાં આવશે. શહેરના તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરો જેટલા પણ કાર્યકર્તાઓને લાવવાના છે તેની સંખ્યા મુજબ ટિકિટની વહેંચણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટેલિયાના પીએમ એન્થોનિઝ  મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહેવાના હોવાથી  ભાજપ શહેર સંગઠનને સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકોને લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરોને પોતપોતાના વિસ્તારના કાર્યકર્તાઓને મેચ જોવા માટે લાવવા અને લઈ જવાની જવાબદારી આપવામાં આવી છે. ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો અને શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા કાર્યકર્તાઓની સંખ્યા લખાવવામાં આવી રહી છે, તે મુજબ ભાજપ સંગઠન દ્વારા ટિકિટોની વહેંચણી કરવામાં આવશે અને તમામને લાવવા લઈ જવાની જવાબદારી કોર્પોરેટરો અને ધારાસભ્યોએ જાતે કરવાની રહેશે.

ભાજપના કમલમના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદમાં 9મીએ રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ મેચમાં બન્ને દેશોના વડાપ્રધાનો હાજર રહેવાના હોવાથી કર્ણાવતીના ભાજપના તમામ કાર્યકર્તાઓને પક્ષ દ્વારા ટિકિટ ભેટમાં આપવામાં આવશે. તમામ વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો અને ધારાસભ્યોને કાર્યકર્તાઓ સાથે આવવાની સુચના આપી દેવામાં આવી છે. જે વિધાનસભા અને વોર્ડમાંથી કાર્યકર્તાઓને લાવવા લઈ જવાના છે, તેની બસની વ્યવસ્થા ખુદ ધારાસભ્ય એ કરવાની રહેશે. સ્ટેડિયમ જવા માટે થઈ મેટ્રો ટ્રેનનો ઉપયોગ વધુ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. સ્ટેડિયમ જતી મેટ્રો ટ્રેન જે વોર્ડ વિસ્તારમાંથી સીધી મળી રહે છે તેવા વાસણા, પાલડી, નવરંગપુરા, નવાવાડજ, સરદાર પટેલ સ્ટેડિયમ, રાણીપ વિસ્તારના કાર્યકર્તાઓને મેટ્રો ટ્રેનમાં જ આવવા માટે સૂચના અપાઇ છે. જ્યારે બીજા વોર્ડમાંથી આવવા માટે જો બની શકે તો મેટ્રો ટ્રેન અથવા તો બસની વ્યવસ્થા ધારાસભ્યને કરવા જણાવવામાં આવ્યું છે.સોમવારે તમામને ટિકિટની વહેંચણી કરી દેવામાં આવશે. બંને દેશોના વડાપ્રધાન જ્યારે મેચ જોવા આવવાના છે, ત્યારે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.